જિજ્ઞેશ જયસ્વાલને હરાવીને ધૈર્યએ મેન્સ ટાઇટલ જીત્યું, વિમેન્સમાં ફ્રેનાઝ ચેમ્પિયન

જામનગર, 26 જુલાઈઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (જામનગર) ખાતે યોજાયેલી રિલાયન્સ ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મોખરાના ક્રમના ધૈર્ય પરમારે (અમદાવાદ) 0-2થી પાછળ રહ્યા બાદ ગુજરાત ટેબલ ટેનિસના સૌથી વયસ્ક અને અનુભવી 46 વર્ષના જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર)ને 4-2થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ 24થી 26મી જુલાઈ દરમિયાન જામનગરના જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ હતી.
દરમિયાન 23 વર્ષીય ધૈર્ય વિજેતા બન્યો હતો ત્યારે 46 વર્ષીય અને સ્ટેટ બેંકના કર્મચારી જિજ્ઞેશ જયસ્વાલે ટુર્નામેન્ટમાં બીજા અને ત્રીજા ક્રમાંકિત ખેલાડીને હરાવીને ઘણા વર્ષ બાદ મેન્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 46 વર્ષના જિજ્ઞેશ જયસ્વાલ સ્ટેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રમનારા સૌથી વયસ્ક પૈકીના એક ખેલાડી બન્યા હતા.
વિમેન્સ ફાઇનલ મેચ પણ રોમાંચક બની હતી કેમ કે તેમાં મોખરાના ક્રમની સુરતી ખેલાડી ફ્રેનાઝ ચિપીયાએ અમદાવાદની ત્રીજા ક્રમની પ્રથા પવારને 4-3થી હરાવીને વર્તમાન સિઝનમાં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
જોકે પ્રથા જામનગરથી ખાલી હાથે પરત ફરી ન હતી કેમ કે તેણે અંડર-17 અને અંડર-19 ગર્લ્સ ટાઇટલ પોતાના નામે કરી લીધા હતા જેમાં તેણે અનુક્રમે સિદ્ધિ બલસારા અને ચાર્મી ત્રિવેદીને હરાવી હતી. પ્રથા આ બંને કેટેગરીમાં મોખરાનો ક્રમાંક ધરાવે છે.
આ ટુર્નામેન્ટમાં બેવડી સિદ્ધિ હાંસલ કરનારા ખેલાડીમાં રાજકોટના દેવ ભટ્ટનો પણ સમાવેશ થાય છે જેણે બોયઝ અંડર-13 અને અંડર-15 ટાઇટલ જીત્યા હતા. અંડર-13માં આ વર્ષે હજી સુધી એકેય મેચ નહીં હારેલા દેવ ભટ્ટે અમદાવાદના ત્રીજા ક્રમના અંશ ખમારને 3-0થી હરાવ્યો હતો અને ચાર ટુર્નામેન્ટમાં ચોથું ટાઇટલ જીત્યુ હતું જ્યારે અંડર-15ની ફાઇનલમાં તેણે દ્વિજ ભાલોડિયા (અમદાવાદ)ને 3-0થી હરાવીને આ કેટેગરીમાં વર્ષમાં ચારમાંથી ત્રીજું ટાઇટલ જીત્યું હતું.
અંડર-19 બોયઝની ફાઇનલમાં અરાવલ્લીના મોખરાના ક્રમના જન્મેજય પટેલે બે ગેમથી પાછળ રહ્યા બાદ ભાવનગરના ધ્યેય જાનીને 4-2થી હરાવ્યો હતો. વર્તમાન સિઝનમાં આ તેનું પ્રથમ ટાઇટલ હતું.
મોખરાના ક્રમના અમદાવાદના અભિલક્ષ પટેલે સાતમા ક્રમના વેદ પંચાલને 3-0થી હરાવીને અંડર-17 બોયઝ ટાઇટલ જીત્યું હતું.
અંડર-15માં ભાવનગરની મોખરાના ક્રમની ચાર્મી ત્રિવેદી સુરતની દાનિયા ગોદીલને 3-1થી હરાવીને વિજેતા બની હતી.
ફાઇનલના પરિણામોઃ
મેન્સઃ ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ જિજ્ઞેશ જયસ્વાલ 8-11,4-11,11-7,11-8,11-4,11-4.
વિમેન્સઃ ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ પ્રથા પવાર 11-6, 7-11, 11-5, 8-11, 11-6, 12-14, 11-9.
અંડર-19 બોયઝઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 7-11,7-11,11-7,11-9,11-8,11-6.
અંડર-19 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-4, 11-8, 11-7, 12-10.
અંડર-17 બોયઝઃ અભિલક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-4,11-6,11-3.
અંડર-17 ગર્લ્સ: પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-4,11-3,11-2.
અંડર-15 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 12-10,11-9,11-4.
અંડર-15 ગર્લ્સઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 7-11, 11-8, 11-7, 11-9.
અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-7, 11-7, 13-11