સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવે લિંગના બે ભાગ કર્યાં: એક ભાગ ૐકારેશ્વર કહેવાયો
 
        શ્રી ૐકારેશ્વરં જ્યોતિલિંગની કથા ભાગ-૧
નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે તે અમરકંટકમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે.નર્મદાનું પ્રાચીન નામ રેવા છે.નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં ૐકારમમલેશ્વરમ્ ભગવાનનું જ્યોર્તિલિંગ છે.
ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું આ એક છે.આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર ૐ જેવો છે.અહીં બે મંદિરો આવેલા છેઃ ૐકારેશ્વર અને અમરેશ્વર. ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી ઘણી દંતકથાઓ છે.તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે.
શિવમહાપુરાણની કોટિરૂદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાં વિંઘ્ય પર્વત વિષેની કથા છે.એક સમયે નારદ મુનિએ વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરૂ પર્વતની મહાનતા સંભળાવી.આને કારણે વિંધ્યને મેરૂની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરૂ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો.મેરૂ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી.આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું.
સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવે લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ૐકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે.વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન ન પાળ્યું.તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો.સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં.
અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં.તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયાં જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાંનો એક છે.
આનો આધ્યાત્મિક અર્થ જોઇએ.ઋષિકુમાર અગત્સ્ય વિદ્યાભ્યાસ પુરો કરી ઘેર આવ્યા ત્યારે તેમને બેચેની થવા લાગી કે આટલું ભણ્યા અને સમજ્યા કે આ દેહ પ્રભુકાર્ય માટે છે તે જાણવા છતાં પણ સંસાર સુખ ભોગવવામાં દેહને ક્ષીણ કરવાનો? તેમને સંકલ્પ કર્યો કે આ દેહ પ્રભુકાર્ય માટે વાપરવો.જે ઠેકાણે પ્રભુને મારી અત્યંત જરૂર હશે તે ઠેકાણે આ દેહને લઇ જઇશ.વાસ્તવિક આ જગતમાં સત્ય શું છે? બધું જ ખોટું છે.જ્ઞાનની પરીપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થતાં બધું મિથ્યા ભાસે છે.જ્ઞાનની પરાકાષ્ટા એટલે જગતનું સ્મશાન.જ્ઞાનમાં હું ખલાસ થાય.ધન મારૂં નથી જગત મારૂં નથી અને અહંકાર પણ મારો નથી.
ઋષિકુમાર પોતાની વિદ્યા ભગવાનના ચરણે ધરવા નીકળી પડ્યા.જે ઠેકાણે સદવિચારો પહોંચ્યા નથી તે ઠેકાણે જઇને રહેવાનો તેમને વિચાર કર્યો.ફરતાં ફરતાં તે વિંધ્ય પર્વત પાસે આવ્યા.ત્યાં એક સ્થળે તેમને વિંધ્ય પર્વતનો આકાર ૐકાર જેવો લાગ્યો.જે પ્રણવની ઉપાસના કરી નિર્ગુણ નિરાકાર ચૈતન્યની અનુભૂતિ થાય તે ૐકારના આકારવાળો પહાડ જોઇ તેમની દ્રષ્ટિ ત્યાં સ્થિર થઇ.ત્યાં પર્વતીય લોકોની વસ્તી હતી.ત્યાં વસતા લોકોને સ્નાન શું?
ભગવાન એટલે કોન? ધ્યાન એટલે શું? માનવજીવન કેમ જીવવું? સ્નાન-સંન્ધ્યા અને પૂજાપાઠ શું છે? અગ્નિ સળગાવી ભોજન પકાવવું જોઇએ વગેરેની ખબર નહોતી. ઋષિકુમાર પર્વતીય વસાહતમાં આવી લોકો જોડે બેસીને બધી વાતો સમજાવી.જંગલી લોકોમાં ભાવ ઉભો કર્યો.તેમને નવું જીવન આપ્યું.અગત્સ્ય ઋષિએ લોકોને સમજાવ્યું કે તમે પતિ-પત્ની જુદા ભલે હો છતાં બંન્ને એક છો.અદ્વેતનો જીવન-સિદ્ધાંત જીવનમાં લાવવા સમજાવ્યું.જંગલી લોકોમાં કુટુંબવ્યવસ્થા ઉભી કરી તથા યુવાનોનું સંઘબળ નિર્માણ કર્યું.
અગત્સ્યે વિંધ્ય પર્વતમાં તપ કર્યું.વિંધ્યના પર્વતીય લોકોને સુધાર્યા.તે લોકોમાં વૈયક્તિક સમજણ ખીલવી.દરેકમાં રહેલ જુદી જુદી કલા ખીલવી,ખેતી કરતા શિખવાડ્યું,વર્ણવ્યવસ્થા સમજાવી.અગસ્ત્ય લોકોમાં એવા ભળી ગયા કે લોકો તેમનો પડ્યો બોલ ઝીલતા હતા.વિંધ્ય પર્વતની આજુબાજુનો વિસ્તાર સુખ અને સમૃદ્ધિથી છલકાવી દીધો.
સુખ અને સમૃદ્ધિ આવે એટલે ભક્તિ ઉપરની પકડ ઢીલી થાય છે.પ્રત્યેક સમાજમાં આવું થાય છે. ભક્તિના પાયા ઉપર તત્વજ્ઞાન ઉભુ ના રહેતાં સમૃદ્ધિના પાયા ઉપર ઉભુ રહ્યું એટલે લોકોમાં અમે સમૃદ્ધ છીએ,વૈભવશાળી છીએ સુખી છીએ એવો અહંકાર નિર્માણ થયો તેથી દેવર્ષિ નારદજીને લાગ્યું કે આ ખોટું થાય છે.અગત્સ્યએ કરેલ શ્રમ ફોગટ જશે કે શું? આ લોકોને સમજાવવા જોઇએ.નારદજીને આવેલા જોઇને ત્યાંના લોકોએ અહંકારથી કહ્યું કે તમે દુનિયામાં બધે ફરો છો પણ અમારા જેવો સમાજ કોઇ જગ્યાએ જોયો? અમારે ત્યાં સુખ સમૃદ્ધિ છે.પરસેવો પાડી આ બધો વૈભવ ઉભો કર્યો છે.અમારે ત્યાં કોઇ નવરો નથી બધા ઉદ્યમી છે.
આ સાંભળી નારદજીએ નિસાસો નાખ્યો અને કહ્યું કે મેરૂ પર્વતની જે કિંમત છે તે વિંધ્યની નથી. યજ્ઞમાં વિંધ્યનું નહી મેરૂ પર્વતનું સ્મરણ થાય છે.પુરાણોમાં વર્ણન છે કે નારદ વિંધ્ય પર્વત પાસે ગયા એટલે વિંધ્ય પર્વતે અહંકારથી કહ્યું કે હું સુખી છું મોટો છું.આ વાંચીને આજના ભણેલાઓને શંકા થાય કે પર્વત તે વળી બોલતો હશે ! આ બધાં ગપ્પાં છે? પરંતુ વાંચવાની પણ સમજણ અને અક્કલ હોવી જોઇએ. લખનારનો ઉદ્દેશ પણ સમજવો જોઇએ.નારદ વિંધ્ય પર્વત પાસે આવ્યા એટલે કે વિંધ્ય પર્વતમાં વસતા લોકો પાસે આવ્યા અને મેરૂ પર્વત શ્રેષ્ઠ છે એમ કહ્યું તેનો અર્થ મેરૂ પર્વત ઉપર વસતા લોકો શ્રેષ્ઠ હતા.
મેરૂ પર્વત શ્રેષ્ઠ શા માટે છે તેનું કારણ આપતાં નારદજીએ કહ્યું કે મેરૂ પર્વતના ઘરઘરમાં ઇશ્વર વસે છે.તમારી કલ્પના છે કે તમને જે વૈભવ મળ્યો છે તે તમારા પુરૂષાર્થથી મળ્યો છે પણ મેરૂ પર્વતના લોકોની કલ્પના છે કે તેમને જે વૈભવ મળ્યો છે તે પ્રભુપ્રસાદ તરીકે મળ્યો છે તેથી તે શ્રેષ્ઠ છે.એક મહત્વની વાત સમજી લો કે ભક્તિપૂર્ણ અંતઃકરણ નહી હોય તો તમારો વૈભવ ટકશે નહી.હું તમોને શ્રાપ આપવા નહી પરંતુ માર્ગદર્શન આપવા આવ્યો છું.
તમારામાં અહંકાર આવશે તો તમારૂં સંઘબળ તૂટી જશે.તમે અંદરોઅંદર લડી મરશો.તમારો વૈભવ ખલાસ થશે.અગત્સ્યએ તમારા માટે જે પરસેવો પાડ્યો છે,લોહીનું પાણી કર્યું છે તે નિરર્થક ન જાય માટે હું તમને ચેતવવા આવ્યો છું.વિંધ્ય પર્વત એટલે કે વિંધ્ય પર્વતીય લોકોને દુઃખ થયું અને નારદજી પાસેથી દીક્ષા લીધી.આ પર્વતીય લોકો પાસે વૈભવ હતો, એકતા હતી, સામર્થ્ય અને કતૃત્વ હતું ફક્ત ભક્તિનો વિચાર ન હતો તે નારદે તેમને આપ્યો.
વિંધ્યની આસપાસ લાખો લોકો વસતા હતા તેમનામાં જાગૃત્તિનું મોજું ફરી વળ્યું અને પ્રત્યેક ઘરમાં ઇશ્વર ભક્તિ નિર્માણ થઇ,આખો સમાજ ભક્તિભાવવાળો થયો,એવું કોઇ ઘર ના હોય જ્યાં પ્રભુ માટે ભાવ ના હોય કારણકે તેમની પાસે ઐક્ય હતું અને ઐક્ય હોય ત્યાં બ્રહ્મને નાચવું જ પડે છે.
પોતાના ભક્તો અગવડમાં આવે એટલે પ્રભુ પધારે પરંતુ આ પર્વતીય લોકોમાં તેમનું કર્તૃત્વ જોઇ ભગવાન પધાર્યા.આ લોકોની તપશ્ચર્યા અને કાર્ય જોઇ પ્રભુ ખુશ થયા છતાં ભગવાન પાસેથી તેમણે કંઇ માગ્યું નહી.આ લોકો પાસે વૈભવ હતો સુખ હતું.આ બધું હોવાછતાં ઘેર ઘેર ભક્તિ લઇ જવા પ્રચંડ પુરૂષાર્થ કર્યો તેથી ભગવાન પ્રસન્ન થયા અને લાવ મારી આંખે આ સુંદર કાર્ય જોઇ આવું એ દ્રષ્ટિએ ભગવાને આ પર્વતીય લોકોને દર્શન આપવા આવ્યા અને તે સ્થળ એટલે ૐકારમમલેશ્વરમ્ જ્યોર્તિલિંગ..
પ્રભુના દર્શન થતાં પર્વતીય લોકો ખુશ થયા.અંતઃકરણપૂર્વક ભગવાનની પૂજા કરી કહ્યું કે પ્રભુ ! અમારા ભાવના લીધે જ તમે અમને દર્શન આપ્યા છે.અમે સુખી છીએ.અગત્સ્યની કૃપાથી અમારા જીવનમાં શાંતિ-સમાધાન અને આનંદ છે.
વિકાસની અંતિમ પગથી એટલે પ્રભુરૂપ થવું.બધું જ ખલાસ કરી ભગવાનમાં ભળી જવું.આનું નામ જ ૐકાર, તેથી ભગવાનનું નામ પણ ૐકાર છે. ૐકારના ઉપાસકો કશું માંગતા નથી ફક્ત જીવન વિકાસ માંગે છે.આ પર્વતીય લોકોએ ભગવાન પ્રસન્ન થયા પછી કહ્યું કે ભગવાન ! ફક્ત પ્રભુસ્પર્શથી જ જીવનની પ્રત્યેક વાત પવિત્ર શુદ્ધ તેજસ્વી અને સુખદાયી બને છે.લોકોને આ ખબર પડે અને તેનો સતત ખ્યાલ રહે તે માટે તમે અહી કાયમ ખાતે વાસ કરો.
ૐકારેશ્વર જ્યોતિર્લિંગ પાંચ માળનું બિલ્ડિંગ છે. જેના પહેલા માળમાં ભગવાન મહાકાલેશ્વરનું મંદિર છે, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે. ૐકારેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક મંદિર નર્મદાના બંને દક્ષિણ અને ઉત્તર તટે સ્થિત છે. સંપૂર્ણ પરિક્રમા માર્ગ મંદિર અને આશ્રમો દ્વારા ઘેરાયેલ છે.
ૐકારેશ્વર બાર જ્યોતિર્લિંગોમાંથી આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ શયન કરવા આવે છે. ભગવાન શિવ દરરોજ ત્રણેય લોકમાં ભ્રમણ કરીને અહીં આવીને આરામ કરે છે.ભક્તગણ તથા તીર્થયાત્રી ખાસ શયન દર્શન માટે અહીં આવે છે.ભોળાનાથ સાથે અહીં માતા પાર્વતી પણ રહે છે અને રોજ રાતે અહીં ચોસર રમે છે.
અહીં શયન આરતી પણ કરવામાં આવે છે,શયન આરતી પછી જ્યોતિર્લિંગ સામે રોજ ચોસર સજાવીને મુકવામાં આવે છે.સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રાતે ગર્ભગૃહમાં કોઈ પણ જઈ શકતું નથી, પરંતુ સવારે જોવામાં આવે તો ચોસરના પાસા ઊંધા જોવા મળે છે,આ ખૂબ જ મોટું રહસ્ય છે જેના અંગે કોઈ જાણતું નથી.ઓંકારેશ્વર મંદિરમાં ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પૂજારીઓ સિવાય કોઈપણ ગર્ભગૃહમાં જઈ શકતું નથી.પૂજારી ભગવાન શિવનું વિશેષ પૂજન તથા અભિષેક કરે છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

 
                 
                 
                