Western Times News

Gujarati News

ગુજરાતની પર 4 વરસાદી સિસ્ટમ સક્રીય-ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ફાટ્યું

File Photo

અમદાવાદ, શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ગુજરાત ઉપર મેઘો મહેરબાન થયો છે. ગઈકાલ મોડી સાંજથી જ રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો શરૂ થતાં જ સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈમાં સૌથી વધુ ૯ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

જયારે નડિયાદ અને મહેમદાવાદમાં પણ ૮ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાટણના સિદ્ધપુરમાં ૭ ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી રહયો છે.

વડગામમાં ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે. સિદ્ધપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ર૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ગુજરાત ઉપર વરસાદની ૪ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં હજુ ભારે વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. ગઈકાલ મોડી સાંજથી જ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે જયારે કેટલાક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે.

સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્‌લો થયુ છે. ભારે વરસાદને કારણે ગામમાં કમરસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદ અટક્યા બાદ પણ બજારમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. દુકાનોની અંદર પાણી ઘુસી જતા વેપારીઓને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. કાકોશીમાં ગત રાતથી ભારે વરસાદ ખાબક્યો હતો. અહીં પરિસ્થિતિ એ છે કે આસપાસના ગામડાઓનું પાણી પણ વહીને કાકોશીમાં આવતું હોય છે. જેને કારણે. લોકોએ ભયના ઓથાર હેઠળ રાત પસાર કરી હતી.

આજે સવારે ૬થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અમદાવાદના દસ્ક્રોઈમાં સૌથી વધુ ૯ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ દરમિયાન ૬ કલાકમાં ૧૪૨ તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ભરાયુ તો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા પરંતુ આ ખુશી પળવારમાં દુઃખમાં પલટાઈ ગઈ હતી. તળાવની દીવાલ તૂટતા તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.

નડિયાદ શહેરમાં વરસાદ તૂટી પડતાં શહેરના નીંચાણવાળા વીસ્તારો જેવા કે, દેસાઇ વગો, ચારેય ગરનાળાઓ જેમાં શ્રેયસ, વૈશાલી, ખોડિયાર અને માઇમંદિરના ગરનાળાઓ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેથી આ વીસ્તારમાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. એકાએક વરસાદ તૂટી પડતા વાહનો લઇને નિકળેલા નગરજનોના વાહનો પણ પાણીમાં ફસાઇ જવાના બનાવો બન્યા હતા. શહેરના સંતરામ મંદીરના માર્ગ, કોલજ રોડ, મહાગુજરાત હોસ્પિટલ માર્ગ, વાણિયાવાડ ચોકડી પાસેનો માર્ગ, વિકેવી રોડ તેમજ નીંચાણવાળા વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

પંચમહાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં, ઘણા દિવસોથી મેઘરાજાની રાહ જોઇ રહેલા ખેડૂતો વહેલી સવારથી ખેતરમાં ઉતરી પડ્‌યા છે. ક્યાંક વાવણી શરૂ થઇ ગઈ છે તો ક્યાંક ડાંગરના ધરુ રોપવાનું કામ જુસ્સાથી ચાલી રહ્યું છે. ખાસ કરીને ડાંગર અને મકાઈ જેવા ખરીફ પાક માટે આ વરસાદ અપરિમિત આશિર્વાદરૂપ સાબિત થયો છે.ભારે વરસાદને કારણે ગોધરા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરા ભાગોળ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્ટ સંકુલ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે.

પંચમહાલ જિલ્લાના મહત્વપૂર્ણ પાનમ ડેમમાં સતત વરસાદની આવી રહેલી આવકના પગલે આજે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાતા ડેમના એક ગેટ ખોલી પાનમ નદીમાં અંદાજે ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

અમદાવાદના ધોળકા પાસે આવેલ જલાલપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાં ગાબડુ પડ્‌યું છે. કેનાલમાં ગાબડુ પડતા નર્મદાના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં છે. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે, નર્મદા કેનાલના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

નર્મદા કેનાલમાં પાણીની કેપીસીટી કરતાં વધારે પાણી છોડી દેતા, કેનાલ ઓવરફ્‌લો થઈ અને ઉપર થઈને છલકાઈને પાણી જાય એટલું પાણી કેનાલમાં આવી જતા નર્મદા કેનાલમાં પડ્‌યું ગાબડુ.

મહેસાણાના ખેરાલુ રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જતાં કાર ફસાઈ ગઈ હતી. ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા. રેલવે અંડર પાસમાં કાર ફસાતા સાથનિકો મદદ માટે દોડી આવ્યા હતા. કાર ચાલક અને તેમા બેઠેલા મુસાફરોને બહાર નીકાળ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ચાર વરસાદી સિસ્ટમને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ખેડાના કપડવંજના રાજપુર સિહોરા પાસે વાત્રક નદીના પાણી ફરી વળતા ૧૦ ગામનો સંપર્ક તૂટ્યો છે. કપડવંજ તાલુકાના રાજપુર સિહોરા ગામ પાસે વાત્રક નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરનાળા પર પાણી ફરી વળતાં રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે.

રસ્તો બંધ થવાના કારણે લગભગ ૧૦ જેટલા ગામોનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેમાં શિહોરા, અમિયાપુર, આંબલિયારા, તેનપૂર, અને રોઝડ જેવા ગામોનો સમાવેશ થાય છે. કપડવંજ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટતાં જ રસ્તો પુનઃ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.