દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત

પ્રતિકાત્મક
(એજન્સી)ભરૂચ, ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં ૨ કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દહેજ સ્થિત જીઈઢ-૧માં આવેલી ૧૧ વર્ષ જૂની શિવા ફાર્મા કેમ કંપનીમાં ગત રાત્રે લગભગ ૨ઃ૪૦ વાગ્યની આસપાસ એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયુ હતું. જેમાં દબાણ વધતાં રિએક્ટર ફાટ્યું હતું.
આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહ નામના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.