મુંબઈથી ગોવા ટ્રેનમાં કાર લઈ જવાની સુવિધા શરૂ કરાશે

પ્રતિકાત્મક
આ ફેરી ટ્રેન સેવા ત્યારે જ દોડશે જ્યારે ઓછામાં ઓછી ૧૬ કાર બુક કરવામાં આવી હોય.- કાર લઈને મુંબઈથી ગોવા હવે ૧૨ કલાકમાં પહોંચી જવાશે
કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ ભારતમાં પહેલી વાર કાર માટે ફેરી ટ્રેન સેવા શરૂ કરવા જઈ રહ્યું છે
નવી દિલ્હી, કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ ભારતમાં પહેલી વાર કાર માટે ફેરી ટ્રેન સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રના કોલાદથી ગોવાના વર્ના સુધી ટ્રેનમાં કાર લઈ જવાની સુવિધા શરૂ કરાશે.
જેમાં મુસાફરો પોતે ટ્રેનમાં પોતાની કાર પણ લઈ જઈ શકશે. આ સેવા ગોવા જતા લોકો માટે ખૂબ જ સારી સાબિત થશે. ખાસ કરીને રજાઓ અને તહેવારોમાં તે ખૂબ જ ઉપયોગી થશે. રસ્તામાં ઘણો ટ્રાફિક અને વળાંકવાળા રસ્તાઓ હોવાથી હાલ મુંબઈ કે પુણેથી ગોવા રોડ માર્ગે જવા માટે ૨૦થી ૨૨ કલાકનો સમય લાગે છે. જ્યારે આ નવી ફેરી ટ્રેન ફક્ત ૧૨ કલાકમાં આ અંતર કાપશે.
આનાથી મુસાફરી ઝડપી, સલામત અને આરામદાયક બનશે. કેઆરસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સેવા હાઇવે પર ટ્રાફિક ઘટાડશે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન હજારો પરિવાર ગોવા જાય છે. ફેરી સેવાના કારણે ઓછા સમયમાં ગોવા પહોંચી શકાશે. તેમજ ગોવામાં ટેક્સી માફિયા દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ટેક્સી ભાડાથી પણ બચી શકાશે.
આ ફેરી ટ્રેનનો ઉપયોગ પહેલા ટ્રકો લઈ જવા માટે થતો હતો. હવે તેનો ઉપયોગ ખાનગી કાર માટે થશે. દરેક ટ્રેનમાં ૨૦ ખાસ કોચ હશે. દરેક કોચમાં બે કાર ફિટ થઈ શકે છે. આ રીતે, એક ટ્રીપમાં કુલ ૪૦ કાર જઈ શકે છે.
આ ફેરી ટ્રેન સેવા ત્યારે જ દોડશે જ્યારે ઓછામાં ઓછી ૧૬ કાર બુક કરવામાં આવી હોય. ટ્રેન કોલાદથી સાંજે ૫ વાગ્યે ઉપડશે અને સવારે ૫ વાગ્યે વર્ના પહોંચશે. કાર લોડ કરવા માટે બપોરે ૨ વાગ્યે કોલાદ સ્ટેશન પહોંચવું પડશે. જો કે, કારમાં બેસીને મુસાફરી કરવાની મંજૂરી અપાશે નહીં. દરેક મુસાફરે કોચમાં બેસીને જ મુસાફરી કરવી પડશે.