Western Times News

Gujarati News

શ્રાવણ માસમાં કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ: 3 ત્રાસવાદી ઠાર

શ્રીનગર, સોમવારે જમ્‍મુ અને કાશ્‍મીરના શ્રીનગરના લિડવાસમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ માહિતી ભારતીય સેનાના ચિનાર કોર્પ્‍સ દ્વારા આપવામાં આવી છે. સેનાએ કહ્યું કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી છે.

આતંકવાદીઓ સામેની આ કાર્યવાહીને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્‍યું છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલા છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે જોડાયેલા હોઈ શકે છે. જોકે, સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સેનાના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.

આજે સાંજ સુધીમાં મીડિયાને ઓપરેશન મહાદેવ વિશે માહિતી આપવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્રીવામાં આવ્‍યું હતું. આ સમય દરમિયાન, દૂરથી બે વાર ગોળીબારનો અવાજ સંભળાયો. આ વિસ્‍તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના ૯૬ દિવસ પછી, ભારતીય સેનાને મોટી સફળતા મળી છે.

આ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્‍યા. જવાબમાં શરૂ કરાયેલ ઓપરેશન મહાદેવ હવે આતંકવાદીઓ માટે ‘ગેમ ઓવર’ સાબિત થયું છે. શ્રીનગરમાં તાજેતરમાં થયેલી એક એન્‍કાઉન્‍ટરમાં, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમને પહેલગામ હુમલા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આવો, આપણે સમજીએ કે આ ઓપરેશન શું હતું, તે કેવી રીતે હાથ ધરવામાં આવ્‍યું અને આતંકવાદીઓને કેવી રીતે હરાવવામાં આવ્‍યા.

૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ, પહેલગામની બૈસરન ખીણમાં પાંચ આતંકવાદીઓ દ્વારા ૨૬ પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્‍યો હતો. આ આતંકવાદીઓ ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) સાથે સંકળાયેલા હતા, જેને પાકિસ્‍તાન સ્‍થિત લશ્‍કર-એ-તૈયબા (LeT) નો મોરચો માનવામાં આવે છે. આ હુમલામાં M4 કાર્બાઇન અને AK-૪૭ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. આતંકવાદીઓએ હિન્‍દુ પ્રવાસીઓને નિશાન બનાવ્‍યા.

જે લોકો ઇસ્‍લામિક શ્‍લોકોનું પઠન કરી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્‍યો. પ્રવાસન પર પણ ખરાબ અસર પડી હતી. પહેલગામ હુમલા પછી, ૭ મે ૨૦૨૫ ના રોજ, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્‍તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કરવામાં આવ્‍યા.

પરંતુ આતંકવાદીઓના મૂળને ખતમ કરવા માટે, સેનાએ એક લાંબી રણનીતિ બનાવી, જેને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્‍યું. આ ઓપરેશન ૯૬ દિવસ સુધી ચાલ્‍યું અને તેનો ઉદ્દેશ્‍ય પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવાનો અથવા મારી નાખવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.