Western Times News

Gujarati News

આખરે થાઇલેન્‍ડ અને કંબોડિયા તાત્‍કાલિક યુદ્ધવિરામ પર સંમત

નવી દિલ્‍હી, તા.૨૮: ઐતિહાસિક મંદિર પર ચાર દિવસથી ચાલી રહેલા લશ્‍કરી સંઘર્ષ વચ્‍ચે, થાઇલેન્‍ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ અને કંબોડિયાના વડા પ્રધાન હુન માનેત સોમવારે મલેશિયામાં શાંતિ વાટાઘાટો માટે મળવા સંમત થયા છે.

થાઈ વડા પ્રધાન કાર્યાલયે જણાવ્‍યું હતું કે આ વાટાઘાટોનું આયોજન મલેશિયાના વડા પ્રધાન અને આસિયાન અધ્‍યક્ષ અનવર ઇબ્રાહિમ કરશે અને કંબોડિયન વડા પ્રધાન હુન માનેત વાટાઘાટો માટે રૂબરૂ પ્રવાસ કરશે. રવિવારે, થાઇલેન્‍ડ અને કંબોડિયાએ યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની મધ્‍યસ્‍થી બાદ વિવાદનો અંત લાવવા માટે યુદ્ધવિરામ પર સંમતિ વ્‍યક્‍ત કરી હતી.

ટ્રમ્‍પે ટ્રુથ સોશિયલ પર પોસ્‍ટ કરી હતી કે તેમણે થાઇલેન્‍ડ અને કંબોડિયાના નેતાઓ સાથેની ચર્ચામાં ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્‍ચે સંઘર્ષ ચાલુ રહેશે તો તેઓ વેપાર સોદા રદ કરશે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ચાલી રહેલા આ સંઘર્ષમાં ઓછામાં ઓછા ૩૪ લોકો માર્યા ગયા છે અને ૧,૬૮,૦૦૦ થી વધુ લોકો વિસ્‍થાપિત થયા છે. બીજી તરફ, કંબોડિયન વડા પ્રધાન માનેટે રવિવારે કહ્યું કે તેમનો દેશ તાત્‍કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સંમત થયો છે.

તેમણે કહ્યું કે ટ્રમ્‍પે તેમને કહ્યું કે ટ્રમ્‍પની કાર્યકારી થાઈ વડા પ્રધાન ફુમથમ સાથેની વાતચીત પછી થાઈલેન્‍ડ પણ હુમલા રોકવા માટે સંમત થયું છે. માનેટે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, આ બંને દેશોના સૈનિકો અને લોકો માટે સકારાત્‍મક સમાચાર છે.

ટ્રમ્‍પ પહેલા, યુએનના વડા એન્‍ટોનિયો ગુટેરેસે પણ કંબોડિયા અને થાઇલેન્‍ડને યુદ્ધવિરામ માટે કરાર પર પહોંચવા વિનંતી કરી હતી. યુએન ચીફના ડેપ્‍યુટી પ્રવક્‍તા ફરહાન હકે જણાવ્‍યું હતું કે ગુટેરેસે બંને પક્ષોને તાત્‍કાલિક યુદ્ધવિરામ માટે સંમત થવા અને વિવાદનો કાયમી ઉકેલ શોધવા માટે વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી. ગુટેરેસે કહ્યું કે તેઓ ૨૪ જુલાઈથી કંબોડિયા અને થાઈલેન્‍ડની સરહદ પર ચાલી રહેલી સશષા અથડામણો અંગે ખૂબ ચિંતિત છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.