Western Times News

Gujarati News

શિક્ષણ વિભાગે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાની ફરજ પડી

આ મામલે ભારે વિવાદ થયા બાદ – નિવૃત શિક્ષકોને કરાર આધારે રાખવાના નિર્ણયને આખરે સરકારે રદ કર્યો

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એક અઠવાડિયામાં બીજો તઘલખી નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી છે. ભારે વિવાદ થયા બાદ શિક્ષણ વિભાગે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે. નિવૃત શિક્ષકોને કરાર આધારે રાખવાના નિર્ણયને આખરે સરકારે રદ કર્યો છે.

બે દિવસ પહેલા સરકાર દ્વારા આ વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો. જોકે સરકારના આ નિર્ણયનો વ્યાપક વિરોધ થયો હતો. જેને કારણે આખરે શિક્ષણ વિભાગને આ નિર્ણય રદ કરવો પડ્‌યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યા સહાયકોમાં ખુશી જોવા મળી છે. આ મુદ્દે સરકારની સામે ભારે વિરોધ થતાં આખરે સરકારને આ નિર્ણય ઉપર પુનઃવિચાર કરવાની ફરજ પડી હતી.

નિર્ણય રદ કરતા પરિપત્રમાં જણાવાયું કે,અંત્રેના સરખા ક્રમાંકના તા. ૨૫-૭-૨૦૨૫ ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે.

બે દિવસ પહેલા નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે.

વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે. જે નિવૃત્ત શિક્ષકને કામગીરી સોંપાય તેમની ઉંમર ૬૨ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. શાળામાં બદલીથી અથવા ભરતીથી કાયમી શિક્ષક કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય સુધી કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે છૂટા કરાશે.

નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન અપાશે કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળશે નહીં. જે શિક્ષક નિવૃત્તિ પછી કામગીરી કરવા માંગતા હોય તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં શ્રાવણ માસમાં શિક્ષકોને ઘેલા સોમનાથમાં જવાબદારી સોંપ્યા પછી આદેશ રદ કરવો પડ્‌યો તે જ પ્રકારની સ્થિતિ શિક્ષણ વિભાગની આ પરિપત્રમાં પણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.