રૂ.૧૯ કરોડ પડાવ્યા: ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કિસ્સો બહાર આવ્યોઃ

AI Image
ગાંધીનગરની મહિલાને ૩ મહિના હાઉસ એરેસ્ટ કરી રૂ.૧૯ કરોડ પડાવ્યા-સુરતમાંથી એક યુવકની ધરપકડ
અમદાવાદ, ગાંધીનગરની મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરીને ૧૯.૨૪ કરોડ રૂપિયા સેરવી લીધા હોવાના ચકચારી કિસ્સામાં તપાસ કરી રહેલી સ્ટેટ સાયબર ક્રાઈમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી પરંતુ ડિજિટલ અરેસ્ટ કરનાર ટોળકી ૧ કરોડ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તે આરોપી સુધી પહોંચી શકવામાં સફળતા હાંસલ કરી છે. સુરતમાં રહેતા ૩૦ વર્ષીય લાલજીભાઈ જેન્તીભાઈ બલદાણીયાની ધરપકડ કરી છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સાયબર ક્રાઈમની ટોળકી સાથે મુલાકાત થયા બાદ સાયબર ફ્રોડના રૂપિયા મેળવવા માટે આ એકાઉન્ટ ખોલાવ્યું હોવાની ચોંકાવનારી કેફિયત આરોપીએ વર્ણવી છે. ત્યારે હાલ સ્ટેટ સાયબર ક્રાઈમે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.
ગાંધીનગરમાં રહેતી નિવૃત્ત મહિલા ડોક્ટર ગત માર્ચ મહિનામાં ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. સાયબર ગઠિયાએ મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને કુલ રૂ.૧૯.૨૪ કરોડ રૂપિયા ખંખેરી લેવાનો ચકચારી બનાવ અંગેની ફરિયાદ સ્ટેટ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી. સાયબર ક્રાઈમના એસપી ધર્મેન્દ્ર શર્મા અને ભરતસંગ ટાંક દ્વારા સમગ્ર કેસનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું હતું.
આ મામલે તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમની ટીમને સફળતા મળી હતી કે ડિજિટલ અરેસ્ટ કર્યા બાદ રૂપિયા ૧૯.૨૪ કરોડમાંથી ૧ કરોડ રૂપિયા સુરતમાં આવેલી મુરલીધર મેન્યુફેકચરિંગ નામની કંપનીના બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઈમની એક ટીમને સુરત ખાતે રવાના કરવામાં આવી અને બેંકમાંથી ખાતા ધારકની વિગતો મેળવીને સુરતના વલથાણ વિસ્તારમાં રહેતા લાલજીભાઈ જેન્તીભાઈ બલદાણીયા (ઉ.૩૦)ની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મુરલીધર મેન્યુફેકચરિંગ નામની કંપનીના નામે જે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું તે ખાસ કરીને સાયબર ઠગાઈના નાણા મેળવવા માટેના ઇરાદાથી ખોલાવ્યું હતું. વધુ તપાસમાં આરોપીએ કેફિયત વર્ણવી છે કે આરોપી એકાદ વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશના નોઈડામાં આવેલી હોટલમાં રોકાયો હતો.
ત્યાં આગળ સાયબર ઠગાઈ આચરનારી ટોળકીના શખ્સો સાથે મુલાકાત કરવામાં આવી હતી. અને સાયબર ફ્રોડના નાણાની હેર-ફેર કરવા અંગેનો સોદો નક્કી થયો હતો. અને તેના પેટે આરોપીને કમિશન મળતું હોવાનું વાત પણ પોલીસ સમક્ષ સ્વીકારી છે.
આ મામલે સ્ટેટ સાયબર ક્રાઈમે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને અગાઉ બીજા કેટલા લોકોના રૂપિયા તેના એકાઉન્ટમાં આવ્યા હતા અને કેવી રીતે ડિજિટલ અરેસ્ટના ગુના આચરતી ટોળકીના સંપર્કમાં આવ્યો તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.