Western Times News

Gujarati News

પેવર બ્લોકના કામમાં થયેલ ગેરરીતિ મામલે ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરાઈ

પ્રતિકાત્મક

વડાલીના થેરાસણામાં  અરજદારે પંચાયતથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી
તલોદ, સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગ્રામ પંચાયત દ્વારા ૧પમા નાણાંપંચની બેઝિક ગ્રાન્ટમાંથી થયેલા વિકાસકાર્યોમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. ગ્રામ પંચાયતે વિકાસના નામે પ્રજાના પૈસાનો કેવો દુરૂપયોગ કર્યો છે તે રૂ.૧,૪પ,૦ર૬/-ના એક કથિત પેવર બ્લોકના કામ પરથી સ્પષ્ટ થતું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ થેરાસણા ગામમાં ગઢવી ધર્મેન્દ્ર મોઘજીભાઈના ઘરથી પટેલ બાબુ મણકાભાઈના ઘર સુધી પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ.૧,૪પ,૦ર૬ની માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી આ કામને વહીવટી ક્રમ વર્ક ઓર્ડર તારીખ આઈટીઈ- ર૦ર૪થી મંજૂરી આપવામાં આવી હોવાનું જણાય છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આશ્ચર્યજનક વાત તો એ છે કે, ગ્રામ પંચાયત દ્વારા ર૭-૮-ર૦ર૪ના રોજ કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું જેના આધારે રૂ.૧,૪૩,પ૭૦ની રકમનું ચૂકવણું પણ કરી દેવાયું ! અહીં સવાલ એ ઉભો થાય છે કે રૂ.૧,૪પ,૦ર૬ના મંજૂર થયેલા કામ માટે રૂ.૧,૪૩,પ૭૦નું જ ચૂકવણું શા માટે કરવામાં આવ્યું, શું આ કામ ખરેખર રૂ.૧,૪પ,૦ર૬નું હતું જ નહી કે પછી બાકીની રકમ ક્યાંક સેરવી લેવામાં આવી આ આંકડાકીય ગોલમાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે કાં તો કામનો અંદાજ ખોટો હતો.

આ સમગ્ર મામલે થેરાસણા ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પેવર બ્લોકનું કામ જે રસ્તાના નીચેના ભાગથી કરવાનું હતું તેની જગ્યાએ રસ્તાના ઉપરની બાજુથી કામ કર્યું છે

કારણ કે અમારા ગામનો મુખ્ય રસ્તો આર.સી.સી. રસ્તો બન્યો અને તે રસ્તો ઉંચો થઈ ગયો એટલે જે પાણી હતું તે ઘરોમાં ભરાઈ જતું હતું જેથી લોકોની માંગણીને ધ્યાને રાખી અમે રસ્તો એ બાજુથી કર્યો જયારે રસ્તો એજ છે જયારે બીજા રાઉન્ડમાં બાકી રહેતો રસ્તો અમે લઈ લેવાના છીએ અને આ મામલે અમારે કોઈપણ પ્રકારનો ઈશ્યૂ છે જ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.