સાબરકાંઠામાં પુલ પર નિરિક્ષણ બાદ બેરીકેડ મુકાતા લોકોમાં ગભરાટ

બ્રીજનું સમારકામ જલ્દી થાય તેવી સ્થાનિકો સહિત વાહનચાલકોની માંગ
તલોદ, વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા બ્રીજની ઘટના બાદ મોડે મોડે તંત્ર તો જાગ્યુ છે અને અવર-જવર પણ બંધ કરી છે ત્યારે નેશનલ હાઈવે પરના નવીન બ્રીજ પર જર્જરિત બનતા એન.એચ.એ.આઈ.ની ટીમે નિરિક્ષણ કરાયા બાદ બેરીકેટ મુકાયા છે પરંતુ હાલ તો વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ૪૮ કે જે અમદાવાદ ઉદયપુરને જોડે છે અને છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમયથી ફોર લેનમાંથી સીકસ લેનનું કામ પણ ચાલી રહ્યુ છે ત્યારે હાઈવે તો ઠીક પણ હવે તો બ્રીજ પણ જર્જરિત બન્યા છે
જેને લઈને રજુઆતો બાદ એન.એચ.એ. આઈની ટીમ દ્વારા ઓવરબ્રીજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ બ્રીજ પર બેરીકેટ મુકી બ્રિજની કિનાર પર વાહનો ન જાય તે માટે એન.એચ.એ.આઈ. દ્વારા કામગીરી તો કરાઈ છે. બ્રીજનું સમારકામ જલ્દી થાય તેવી સ્થાનિકો સહિત વાહનચાલકોની માંગ ઉઠી છે.
ગાંભોઈ ઓવર બ્રિજને નવીન બને માંડ ચાર વર્ષ જેટલો સમય થયો છે તેવુ સ્થાનિકોનો આક્ષેપ છે સાથે સાથે બંને બાજુમાં તિરાડો પડી ગઈ છે તો જે મોટા બ્લોક મુકેલ છે તે તૂટી ગયા છે અને પુલ પણ નમી ગયો છે જેને લઈને આ બ્રીજની કિનારો ધરાશાઈ થાય તેનો ભય હાલ તો વાહનચાલકોને સતાવી રહ્યો છે.
ગાંભોઈ ઓવરબ્રિજ પરથી આસપાસના ૬૦થી વધુ ગામના લોકોનું દરરોજ અવર-જવર છે તો આ ઉપરાંત બંને બાજુ ગાંભોઈ વસેલુ છે અને દુકાનો પણ છે સાથે સાથે વાહનોની પણ અવરજવર વધુ છે ત્યારે ઓવરબ્રીજની આ હાલત જોતા તો સ્થાનિકો અને વાહનચાલકો પણ ડરી રહ્યા છે અને જલ્દી નવીન બ્રીજ બને કે યોગ્ય રીતે સમારકામ થાય તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે.