યુએસ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટેના ઈન્ટરવ્યૂના નિયમમાં ફેરફાર થશે

વોશિંગ્ટન ડીસી, અમેરિકાના પ્રમુખ પદે બીજી વખતની સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન મુદ્દે આકરી નીતિઓનું અમલીકરણ શરૂ કર્યું છે. ટ્રમ્પના આ વલણને પગલે સ્ટુડન્ટ વિઝા સહિતના નોન-ઈમિગ્રન્ટ વિઝાના ભારત સહિત વિશ્વના અન્ય દેશોના અરજદારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
અમેરિકન વિદેશ વિભાગે નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે અપાતી ઈન્ટરવ્યૂ માફીના પ્રોગ્રામમાં કેટલાંક ફેરફાર કર્યાં છે. આગામી ૨ સપ્ટેમ્બરથી અમલી બનનારા આ ફેરફારને પગલે નોન-ઈમિગ્રન્ટ વિઝાના ૧૪થી ઓછી અને ૭૯થી વધુ વર્ષના બહુમતિ અરજદારોએ ફરજિયાત કોન્સ્યુલર ઈન્ટરવ્યૂઝમાંથી પસાર થવું પડશે. આ ફેરફારોને કારણે વિઝા માટેની એપોઈન્ટમેન્ટ્સમાં વિલંબ થશે.
નોન ઈમિગ્રન્ટ વિઝા શ્રેણીમાં બિઝનેસ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, એક્સચેન્જ વિઝા તથા ડિપ્લોમેટિક વિઝનો સમાવેશ થાય છે.
હ્યુસ્ટન સ્થિત ઈમિગ્રેશન બાબતોના વકીલ સ્ટીવન બ્રાઉને નવા નિયમો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ મોટાભાગની વિઝા કેટેગરીઝ માટે ડ્રોપબોક્સ (ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ)ની વ્યવસ્થા હટાવી દેવા માગતા હોય તેમ જણાઈ રહ્યું છે. આમ થવાને કારણે વિઝાની એપોઈન્ટમેન્ટ્સમાં વધુ વિલંબ થશે.
એટલું જ નહીં બાળકોના ઈન્ટરવ્યૂ લેવાની બાબત તો તદ્દન વાહિયાત છે તેમ તેમણે ઉમેર્યું હતું. નવી માર્ગદર્શિકા અનુસાર, ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ મળી હોય તેમ છતાં કોન્સ્યુલરના અધિકારીને જરૂરી જણાય તો તે અરજદારને ઈન્ટરવ્યૂ માટે બોલાવી શકે છે. આ નવી નીતિથી ૧૮ ફેબ્›આરી, ૨૦૨૫ના રોજ ઈન્ટરવ્યૂ વેઈવર માટે જારી કરાયેલી અપડેટ રદ્દ થઈ છે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસના જણાવ્યાં અનુસાર, કોન્સ્યુલરના અધિકારી વ્યક્તિગત ધોરણે કોઈ પણ કારણસર વિઝા માટે અરજી કરનારા અરજદારોને રૂબરૂ ઈન્ટરવ્યૂમાં હાજર થવા કહી શકે છે. અરજદારોએ વિઝા અરજી માટેની જરૂરિયાતો અને પ્રક્રિયા માટે એમ્બેસી અને કોન્સ્યુલેટની વેબસાઈટ પર અપાયેલી માહિતીનો અભ્યાસ કરવો જોઈએ.
અમેરિકાના વિદેશ વિભાગ અનુસાર, અમેરિકાનો વિઝા મળે એટલે અમેરિકામાં પ્રવેશ મળશે તેની ગેરન્ટી નથી. વિઝાધારકને અમેરિકામાં પ્રવેશ આપવો કે નહીં તેનો અંતિમ નિર્ણય એરપોર્ટ પર અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડ પ્રોટેક્શન (સીબીપી) અધિકારીઓના હાથમાં હોય છે.
જો કોઈ પ્રવાસી બિનઅધિકૃત હેતુથી અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તેમ અધિકારીને લાગે તો તેનો પ્રવેશ અટકાવી શકે છે. શંકાસ્પદ ઈરાદાઓને પગલે તમને અમેરિકામાં પ્રવેશતા અટકાવી શકાય છે.SS1MS