તપાસમાં સામેલ શા માટે થયા?, રિપોર્ટ આવે તેની રાહ શા માટે જોઈઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માએ ઈન હાઉસ તપાસ સમિતિના રિપોર્ટ સામે કરેલી અરજીને લઈને પ્રશ્નો કર્યા હતા. જસ્ટિસ વર્માના ઘરમાંથી બળેલી ચલણી નોટોનો મોટાપાયે જથ્થો પકડાયો હતો. આ સંદર્ભે તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ સમિતિ રચીને અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે વર્માના વકીલને સવાલ પૂછ્યો હતો કે, તમે આ તપાસ પ્રક્રિયામાં ભાગ લીધો હતો તો તેના પર પ્રશ્ન શા માટે ઉઠાવી રહ્યા છો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને એ જી મસિહની ખંડપીઠે સણસણતા સવાલો કર્યા હતા કે તમે સમિતિની તપાસ પૂર્ણ થવાની અને રિપોર્ટ રજૂ થાય તેની રાહ શા માટે જોઈ.
તપાસ સમિતિ સમક્ષ હાજર શા માટે થયા હતા? જસ્ટિસ વર્માના પક્ષે હાજર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કોર્ટે પૂછ્યું કે, શું તમે તપાસ સમિતિ તરફથી તમારી તરફેણમાં ઓર્ડર આવે તેમ ઈચ્છતા હતા. સિબ્બલે જણાવ્યું કે, સમિતિ સમક્ષ હાજર રહેવાથી તેમની વિરુદ્ધ ગુનો નોંધી શકાય નહીં. મને લાગ્યું કે સમિતિ રોકડ કોની છે તે શોધી કાઢશે.
જસ્ટિસ વર્માએ કરેલી અરજીમાં તેમની ઓળખ જાહેર નથી કરી અને તેને એક્સએક્સએક્સ વિ. ધ યુનિયન ઓફ ઈન્ડિયા તરીકે નામ આપ્યું છે. સુપ્રીમની બેન્ચે જસ્ટિસ વર્માની અરજીમાં દર્શાવાયેલા પક્ષકારો અંગે સવાલ કરતા જણાવ્યું કે, અરજી સાથે ઈન હાઉસ કમિટી રિપોર્ટ પણ રજૂ કરવાની જરૂર હતી. આ પ્રકારે અરજી દાખલ ના કરવી જોઈએ.
અહીં પક્ષકાર રજિસ્ટ્રાર જનરલ છે, મહાસચિવ નથી. પ્રથમ પક્ષ સુપ્રીમ કોર્ટ છે કારણ કે તમારી ફરિયાદ ઉલ્લેખિત પ્રક્રિયા વિરુદ્ધ છે. સિબ્બલે બેન્ચને જણાવ્યું કે, રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ છે.
બંધારણની કલમ ૧૨૪ હેઠળની પ્રક્રિયામાં જજ જાહેર ચર્ચાનો વિષય ના બની શકે. તપાસ સમિતિના રિપોર્ટને મહાભિયોગ પ્રસ્તાવ માટેનો આધાર ના ગણી શકાય તેવી સિબ્બલે દલીલ કરી હતી.
સર્વાેચ્ચ અદાલતે સિબ્બલને પક્ષકારોના મેમોમાં સુધારા સાથે એક પાનામાં બુલેટ પોઈન્ટ્સ દર્શાવીને લાવવા જણાવ્યું હતું. આ કેસમાં ૩૦ જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે.SS1MS