બિહારમાં મતદાર યાદીના પ્રકાશન પર વચગાળાનો સ્ટે નહીંઃ સુપ્રીમ કોર્ટ

Files Photo
નવી દિલ્હી, બિહારમાં મતદાર યાદી સુધારણા ફેરતપાસની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. ચૂંટણી પંચે બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પણ તૈયાર કરી છે જેને ૧લી ઓગસ્ટે પ્રકાશિત કરવા સામે વચગાળાનો સ્ટે નહીં આપવા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું છે. આ સાથે જ સર્વાેચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડ તથા વોટર આઈડી સ્વીકારવાનો પણ આદેશ આપ્યો છે.
બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો પ્રથમ તબક્કો ૨૫ જુલાઈએ પૂર્ણ થયો છે અને ૯૨ ટકા મતદારોએ ફોર્મ પરત કર્યા હોવાનો દાવો ચૂંટણી પંચે કર્યાે છે.
ચૂંટણી પંચની એસઆઈઆર વિરુદ્ધની તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ એકસાથે નિર્ણય કરશે.એસઆઈઆર કવાયત માટે આધાર કાર્ડ અને વોટર આઈડી સ્વીકારવાનું ચાલુ રાખવા ચૂંટણી પંચને નિર્દેશ આપતા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે કહ્યું કે, આ બંને દસ્તાવેજો ‘વિશ્વસનીયતાની ધારણા’ ધરાવે છે.
રેશન કાર્ડનો પ્રશ્ન છે ત્યાં સુધી તે સરળતાથી બોગસ ઉભું કરી શકાય છે.આ કેસમાં ફાઈનલ હીયરિંગ માટે ૨૯મી જુલાઈએ નિર્ણય કરાશે તેમ બેન્ચે કહ્યું હતું.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે ૧ ઓગસ્ટે ડ્રાફ્ટ યાદીને જાહેર કરવા પર વચાગાળના સ્ટેનો આગ્રહ રાખતા કોર્ટને જણાવ્યું કે, મતદાર યાદીને વચગાળાના સમયમાં અંતિમ સ્વરૂપ આપવું જોઈએ નહીં.
કોર્ટે ચૂંટણી પંચના નિવેનદની નોંધ લીધી હતી જેમાં ડ્રાફ્ટ યાદી બાદ પણ મતદારો પોતાનું ફોર્મ જમા કરાવી શકશે તેમ જણાવાયું હતું. આ મુદ્દે સુપ્રીમે ટકોર કરતા કહ્યું કે, કોર્ટની શક્તિને નબળી ના આંકવી જોઈએ.
કોર્ટ તમારી રજૂઆત સાથે સંમત થાય છે અને કોઈપણ ગેરકાયદેસરતા જણાશે તો તાત્કાલિક બધુ રદ કરી દેશે.૧૦ જુલાઈએ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ત્રણ દસ્તાવેજો આધાર કાર્ડ, વોટર આઈડી અને રેશન કાર્ડ સ્વીકારવા જણાવ્યું હતું.
પંચે આ દસ્તાવેજો બોગસ પણ તૈયાર કરી શકાય તેમ હોવાથી તે વિશ્વસનીય નહીં હોવાનું જણાવ્યું હતુ. સોમવારે સુનાવણી વખતે જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, દુનિયામાં કોઈપણ દસ્વાતેજની નકલ તૈયાર કરી શકાય છે.
બિહાર મતદાર યાદી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમમાં બૂથ લેવલ ઓફિસરો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. આરજેડીના સાંસદ મનોજ ઝાએ પણ આ પ્રક્રિયાને વકીલ ફૌઝિયા શકીલ મારફતે પડકારી છે અને તેમણે જવાબમાં જણાવ્યું કે, કેટલાક અહેવાલોમાં મતદારો એવી ફરિયાદ કરી રહ્યા છે કે, બીએલઓએ તેમના ઘર કે આસપાસમાં ક્યાંય પણ મુલાકાત લીધી નથી અને ફોર્મમાં બોગસ સહી કરીને અપલોડ કરાઈ રહ્યાનો દાવો કરાયો છે.SS1MS