બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા

અમદાવાદ, સમૃદ્ધ ખેડૂત-સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે. એટલુ જ નહીં ખેડૂતોની આવક બમણી થશે, તેવુ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યાં છે. ખુદ કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યાે છે કે, ગુજરાતમાં ખેડૂતોએ ૨૧મી જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧,૪૪,૩૩૦ કરોડ રૂપિયાની બેન્ક લોન લીધી છે.
આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે, જગતનો તાત દેવાના ડૂંગર તળે દબાઈ રહ્યો છે.ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયાં છે કેમ કે, હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવો વધ્યાં છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પુરતા ભાવ સુદ્ધા મળતા નથી.
ખેડૂતોની એવી દશા છે કે, ખેતી ખાતર બચાવવા બેન્કો પાસેથી લોન લેવી પડે છે. પરિસ્થિતી એવી નિર્માણ થઈ છે કે, ખેતી ખર્ચ વધ્યો છે, પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યાં નથી.
તેમાંય ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થાય તે અલગ.લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર, બમણી આવકની ડિંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં ૫૫ લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ખેડૂતોએ કુલ ૧.૪૪,૩૩૦ કરોડ રૂપિયાની લોન મેળવી છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતી ખેડૂતોની બેન્ક લોન ૯૬,૯૬૩ કરોડ રૂપિયા હતી તે વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને ૧,૪૪, ૩૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. પાંચ વર્ષમાં ખેડૂતોની બેન્ કલોનમાં ૪૭,૩૬૭ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો.
ટૂંકમાં ગુજરાતના ખેડૂતોની બેન્ક લોનનો આંકડો વધતો જ જાય છે. કેન્દ્ર સરકારના મતે પ્રત્યેક ખેડૂતના માથે ૫૬ હજાર રૂપિયાનું દેવું છે. મહત્ત્વની વાત છે કે, ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, તેમ છતાંય ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભલે દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે, ખેડૂતો દેવાદાર બન્યાં છે.SS1MS