પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી રાજ્યના આદિવાસી વિસ્તારોનું ભાગ્ય બદલાઈ જશે: રાજ્યપાલ

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વિશેષ વધારવા માટે રાજભવનમાં રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્યા
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી રાજ્યના આદિવાસી વિસ્તારોનું ભાગ્ય બદલાઈ જશે. આદિજાતિ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે, કારણ કે કોઈ જ ખર્ચ વિના વધુ ઉત્પાદન મળશે અને જમીનની ગુણવત્તા પણ સુધરશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રમાણિક ખતી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ બનશે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વિશેષ વધારવા માટે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની સ્થિતિની સમીક્ષા માટે પ્રતિમાસ રાજભવનમાં બેઠક યોજાય છે. આજે આયોજિત આ બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશને સમગ્ર રાષ્ટ્રમાં વેગવાન બનાવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે.
ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓએ કરેલા સંશોધનોથી એ સાબિત થયું છે કે, રાસાયણિક ખેતી કરતા પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તાવાળું મળી રહ્યું છે. ખેડૂતોને ખર્ચ કર્યા વિના આવક બમણી મળી રહી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિથી તમામ સુખદ પરિણામો મળી રહ્યા છે
ત્યારે આદિવાસી વિસ્તારોમાં વસતા ખેડૂતોને આ પદ્ધતિની તાલીમ આપીને તેમને સતત માર્ગદર્શન આપવાની આવશ્યકતા છે. આદિવાસી ખેડૂતો આમ પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે છે, આવી સ્થિતિમાં તેમને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયત્નો કરવા તેમણે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આધારિત જિલ્લો ઘોષિત કરીને ત્યાંના ખેડૂતોને વિશેષ લાભ આપ્યા છે. ડાંગ જિલ્લાની જેમ જ રાજ્યના અન્ય આદિવાસી જિલ્લાઓમાં પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા આદિજાતિ વિકાસ વિભાગ તરફથી પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
એટલું જ નહીં, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ આદિજાતિ વિસ્તારોમાં વસતા ખેડૂતોને વિશેષ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિભાગો દ્વારા આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે અમલી યોજનાઓની વિગતવાર માહિતી મેળવી હતી અને આ યોજનાઓના અસરકારક ફળદાયી અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ ઘડવા પર ભાર મૂક્યો હતો.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આદિજાતિ વિસ્તારોમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, તેમને વેચાણની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે અંગે આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસૈન, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, આદિજાતિ વિકાસ નિયામક શ્રી આશિષ કુમાર, સંયુક્ત સચિવ શ્રી પી.ડી. પલસાણા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે.બી.કથીરિયા, કૃષિ નિયામક શ્રી પ્રકાશ રબારી, આત્માના નિયામક શ્રી એસ.કે.જોશી, પશુપાલન નિયામક શ્રી ફાલ્ગુની ઠાકર, બાગાયત નિયામક શ્રી સી.એમ.પટેલ, કૃષિ-આત્મા વિભાગના અધિકારીઓ તેમજ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના વહીવટદારો ઉપસ્થિત રહ્યા હતા.