ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર ભુપત આંબરડી ગામના માલધારીનો હુમલો

AI Image
માલધારીને બહાર નીકળવા માટે કહેવા જતાં ઢોર માલિકે ઉસ્કેરાઇ જઈ ફોરેસ્ટના કર્મચારી ઉપર લાકડી વડે હુમલો કરી દીધો
જામનગર, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગની જગ્યામાં ભેંસો ચરાવવા માટે ઘૂસી આવેલા માલધારીને બહાર નીકળવા માટે કહેવા જતાં ઢોર માલિકે ઉસ્કેરાઇ જઈ ફોરેસ્ટના કર્મચારી ઉપર લાકડી વડે હુમલો કરી દીધો હતો, અને તેઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી, તેમજ અનુસૂચિત જ્ઞાતિના હોવાનું જાણવા છતાં તેઓને હડધુત કરાયાની પણ પોલીસ ફરિયાદ થઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વાલાભાઈ રામાભાઈ ખરા નામના ૫૭ વર્ષના કર્મચારી કે જેઓ દ્વારા શેઠ વડાળા પોલીસ મથકમાં પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને સરકારી ફરજ રૂકાવટ કરવા અંગે સાથોસાથ પોતે અનુસૂચિત જ્ઞાતિના છે, તેવું જાણવા છતાં હડધૂત કરવા અંગે ભુપત આંબરડી ગામમાં રહેતા સંજય નથુભાઈ કંડોરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભુપત આંબરડી ગામમાં આવેલી સરકારી વીડીની જગ્યામાં આરોપી સંજય કંડોરિયા પોતાની ભેંસો ચરાવતો હોવાથી તેને ત્યાંથી ભેંસોને બહાર લઈ જવા માટે જણાવ્યું હતું. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, અને ફરજમાં રૂકાવટ કરી હતી.