Western Times News

Gujarati News

સુરતમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ફરાળી લોટમાં ભેળસેળ છે કે નહીં તેના ચેકિંગ માટે આજે સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉતરી પડી

સુરત, શ્રાવણ મહિનાની શરૂઆત સાથે શહેરમાં ફરાળી લોટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ફરાળી લોટમાં ભેળસેળ છે કે નહીં તેના ચેકિંગ માટે આજે સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉતરી પડી હતી. ફરાળી લોટનું વેચાણ કરનારા ૮ વેપારીઓ પાસેથી લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ભુતકાળમાં ફરાળી લોટમાં ભેળસેળ મળી આવી હતી તેના કારણે પાલિકાએ લોટનું વેચાણ કરનાર ૮ સંસ્થા પાસે નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગે પાલિકાના જુદા જુદા વિસ્તારમાં આવેલી ફરાળી લોટનું વેચાણ કરનારા પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા.

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતીઓ વધુ ધાર્મિક બને છે અને સંખ્યાબંધ લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસમાં સુરતીઓ વિવિધ ફરાળી વાનગી આરોગે છે. આ ફરાળી વાનગી માટે શહેરમાં જુદી જુદી જગ્યાએ ફરાળી લોટનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતો ફરાળી લોટ શુદ્ધ છે કે તેમાં કોઈ ભેળસેળ છે તેની ચકાસણી કરવા માટે પાલિકાના ફૂડ વિભાગની ટીમે આજે સવારથી જ શરૂઆત કરી છે.

સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરાળી લોટનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં જઈને પાલિકા તંત્ર દ્વારા લોટના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી બપોર સુધીમાં ૮ જેટલી એજન્સી પાસેથી સેમ્પલ લીધા છે. ફરાળી લોટના સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ સંસ્થા પાસે લીધેલા નમૂનામાં ભેળસેળ જણાશે તો તેની સામે પાલિકા કાર્યવાહી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.