લોકસભામાં વિપક્ષ બુમો પાડી પાડીને કહેવા લાગ્યા કે, ક્યાં ગઈ ૫૬ ઈંચની છાતી?

લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા પર PM મોદીએ આપ્યો સણસણતો જવાબ
કોઈના પણ દબાણથી સીઝફાયર થયું નથીઃ મોદી
નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેનો જવાબ આપી વિપક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન પર જણાવ્યું કે, પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવાનું છે અને મારો જવાબ હતો કે જો પાકિસ્તાનનો આ ઈરાદો છે તો તેને ખૂબ મોંઘું પડશે. ભારતે પાકિસ્તાન પર સિંદુરથી લઈ સિંધુ સુધી આકરી કાર્યવાહી કરી છે.
વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું કે, ‘૨૨ એપ્રિલ બાદ મેં જાહેરમાં કહ્યું હતું કે, અમારો સંકલ્પ છે કે અમે આતંકવાદીઓને જડમૂળથી ઉખેડી નાખીશું. પહલગામ હુમલા બાદ હું તુરંત વિદેશથી પાછો આવ્યો અને ઈમરજન્સી બેઠક બોલાવી આતંકવાદને આકરો જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ લીધો હતો.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પહલગામ આતંકવાદી હુમલા બાદ ત્રણ ચાર દિવસમાં જ વિપક્ષના લોકો બુમો પાડી પાડીને કહેવા લાગ્યા કે, ક્યાં ગઈ ૫૬ ઈંચની છાતી? ક્યાં ગયા મોદી? તેઓ મજા લઈ રહ્યા હતા. આ લોકો પહલગામના ૨૬ લોકોની હત્યા પર રાજનીતિ રમી રહ્યા હતાં. સ્વાર્થી રાજનીતિ માટે તેઓ મારા પર નિશાન સાધતા હતા. તેઓ પાકિસ્તાનના જુઠ્ઠાણાને ફેલાવી રહ્યા હતાં.
અને આ પ્રકારની નિવેદનબાજી કરી દેશની સેનાનું મનોબળ તોડી રહ્યા હતાં. આ લોકોને ન તો ભારતના સામર્થ્ય પર વિશ્વાસ છે, ન તો ભારતની સેના પર. એટલે જ આ લોકો સતત ઓપરેશન સિંદૂર સામે સવાલ કરી રહ્યા છે. આવું કરીને તમે મીડિયામાં હેડલાઈન્સ તો લઈ શકો છો, પરંતુ દેશવાસીઓના હૃદયમાં જગ્યા નહીં.’
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન જવાબ આપતા કહ્યું કે, ‘આ સેશન ભારતના ગૌરવ ગાનનો છે. આ સેશન ભારતના વિજયોત્સવનો છે. આંતકવાદીઓને જડમૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પની સફળતા દર્શાવે છે. હું સદનમાં ભારતનો પક્ષ મૂકવા ઉભો થયો છું, જેમને ભારતનો પક્ષ દેખાતો નથી. તેમને અરીસો બતાવવા આવ્યો છું. અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાનો બદલો અમે નિર્ધારિત સમય અને શરતો પર ૨૨ મિનિટમાં લીધો. અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો હતો. તેમને કાર્યવાહી કરવાની, નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મોટાભાગે આતંકવાદી હુમલા બાદ આતંકનો માસ્ટરમાઈન્ડ નિરાંતે ઊંઘતો હતો. પરંતુ પહલગામ હુમલા બાદ અમે તેની ઊંઘ હરામ કરી દીધી. ભારતને કોઈ દેશે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાં પર હુમલો કરવાથી અટકાવ્યા નથી. માત્ર ત્રણ દેશે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. વિશ્વમાં તમામ લોકોએ ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું, પરંતુ મારા દેશના વીરોને કોંગ્રેસનું સમર્થન ના મળ્યું.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘દુનિયાના કોઈપણ દેશના નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા નથી કહ્યું. ૯ મેના રોજ અમેરિકાના ઉપ પ્રમુખે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું સેના સાથે વ્યસ્ત હોવાથી ફોન રિસિવ કરી શક્યો નહીં.
બાદમાં મેં કાલ બૅક કર્યો ત્યારે ઉપ પ્રમુખે મને જાણકારી આપી હતી કે, પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. મેં સામે જવાબ આપ્યો હતો કે, જો પાકિસ્તાન આ ઈરાદો રાખે છે, તો તેને આકરો જવાબ આપીશું. તેણે વધુ નુકસાન ભોગવવુ પડશે. મેં કહ્યું હતું કે, અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું.’
૧૦ મેના રોજ યુદ્ધવિરામનો નિર્ણય થયો. જેને લઈને અલગ અલગ વાતો ફેલાઈ. આ એ જ પ્રોપગેન્ડા છે, જેને પાકિસ્તાન તરફથી ફેલાવાયો. કેટલાક લોકોએ સેનાની વાત પર ભરોસો કરવાના બદલે તેને ફેલાવવામાં વ્યસ્ત રહ્યા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ થઈ હતી, ત્યારે કેટલાક લક્ષ્ય નક્કી કરાયા હતા. તેને એક રાતમાં હાંસલ કરી લેવાયા. બાલાકોટમાં જ્યારે એરસ્ટ્રાઈક કરાઈ, ત્યારે પણ આપણો ટાર્ગેટ નક્કી હતો.
ઓપરેશન સિંદૂરમાં પણ આપણો ટાર્ગેટ નક્કી હતો, આપણે આતંકવાદીઓની નાભિ પર હુમલો કરી દીધો. જ્યાં પહલગામના આતંકવાદીઓની રિક્રૂટમેન્ટ થઈ, ટ્રેનિંગ મળી, ફંડિંગ મળતું હતું. તે જગ્યા પર આપણે ઓપરેશન સિંદૂર હેઠળ સચોટ રીતે આતંકવાદીઓની નાભિ પર પ્રહાર કર્યો.