ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર ચર્ચાનું થયેલું GCCIમાં આયોજન

“99% ટેરિફ લાઇનને ડ્યુટી નાબૂદ કરીને ભારતની નિકાસને મોટો વેગ પ્રાપ્ત થશે”
GCCI તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને વિદેશ વેપાર મહા નિર્દેશાલય દ્વારા સંયુક્ત રીતે “ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા” નું થયેલ આયોજન.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને વિદેશ વેપાર મહા નિર્દેશાલય સાથે સંયુક્ત રીતે તારીખ 29 જુલાઈ, 2025 ના રોજ “ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA)” પર કેન્દ્રિત ચર્ચા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો માં શ્રીમતી મમતા વર્મા, IAS, મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર, શ્રી રાહુલ સિંહ, સંયુક્ત નિયામક, વિદેશ વેપાર મહા નિર્દેશાલય, શ્રી સ્વરૂપ પી, IAS, ઉદ્યોગ કમિશનર, ગુજરાત સરકાર અને શ્રી કે.સી. સંપત, IAS, મેનેજિંગ ડિરેક્ટર, INDEXTB, ગુજરાત સરકારનો સમાવેશ થયો હતો.
ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે ગુજરાતના વિકાસ મોડેલ વિશે વિગતો આપી હતી. તેઓએ એ હકીકતની ગર્વથી નોંધ લીધી હતી કે આપણા દેશના નેતૃત્વના સાતત્યપૂર્ણ પ્રયત્નોથી આપણે હવે વિશ્વની ચોથી મોટી શક્તિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે CETA ત્રીજા ક્રમની સૌથી મોટી વિશ્વ શક્તિ બનવા તરફના આપણા પ્રયત્નોની વિશેષ ગતિ પ્રદાન કરશે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત ઐતિહાસિક રીતે ગ્રેટ બ્રિટનમાં કાપડ ની નિકાસ કરતુ આવ્યું છે જે બાબતને હવે સુંદર ગતિ પ્રાપ્ત થશે. તેમણે ફૂડપાર્ક માટેના MOU વિશે પણ વાત કરી હતી અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સરકારના પગલાં વિશે માહિતી આપી હતી. તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો કે પ્લાસ્ટિક, કાપડ, રસાયણો વગેરે જેવા ઉદ્યોગોને આ કરાર દ્વારા ઘણો ફાયદો થશે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે તે બાબતે ખાસ નોંધ લીધી હતી કે CETA એ યુકે સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આર્થિક એકીકરણને મજબૂત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેઓએ પ્રસ્તુત સમજૂતી થકી ભારત દ્વારા યુકેમાં થતી 99% નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ પર ખાસ ભાર મૂક્યો હતો
તેમજ ઉમેર્યું હતું કે તે વેપાર મૂલ્યના લગભગ 100%ને આવરી લેશે અને તે થકી કાપડ, વિવિધ દરિયાઈ ઉત્પાદનો, લેધર, ફૂટવેર, રમતગમતના સામાન, રમકડાં અને રત્નો અને ઘરેણાં વગેરે વિવિધ ઉદ્યોગો માટે નિકાસની અનેકવિધ નવી તકો ઊભી થશે તેમજ સાથે સાથે એન્જિનિયરિંગ માલ, ઓટો ઘટકો અને કાર્બનિક રસાયણો જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રો માટે પણ નવી તકો ખુલશે.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ, શ્રીમતી મમતા વર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે CETA આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વની ક્ષણ પુરી પાડે છે. આ એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક કરાર છે અને “વિકસિત ભારત 2047” ના વિઝન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે કેટલાક ક્ષેત્રો માં પ્રસ્તુત સમજૂતીને કારણે યુકેમાં તેઓના ઉત્પાદનની નિકાસ પર શૂન્ય ડ્યુટી આકર્ષિત કરશે જેનાથી આવા ઉત્પાદનોની નિકાસને ખુબ વેગ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ કરાર ગુજરાત રાજ્ય માટે નિકાસ માં વિક્રમજનક વધારો કરવા માટે સુસજ્જ કરે છે.
આ પ્રસંગે બોલતા ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર શ્રી સ્વરૂપ પી, IAS એ ભારત માટે ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવતા ઉત્પાદનોની વિગતો આપી હતી, જે યુકેની આયાતમાં લગભગ 86% ફાળો આપે છે. તેમણે ભાર મૂક્યો હતો કે ભારત અને ગુજરાત આવા ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંના એક છે જ્યાં ગુજરાત ખનિજ બળતણ અને તેલ, કાગળના ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો, ફાર્માસ્યુટિકલ્સ, જેવેલ અને ઝવેરાત, સિરામિક્સ અને ન્યુક્લિયર રિએક્ટર, બોઇલર અને મશીનરી જેવા ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેમણે વિગતવાર સમજાવ્યું હતું કે CETA આગામી વર્ષોમાં વેપાર સરપ્લસ પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. તેઓએ તે બાબતે પણ ખાસ નોંધ લીધી હતી કે યુકે હંમેશા ભારત માટે પસંદગીનું વેપાર ભાગીદાર રહેલ છે. તેઓએ RMG, હોમ ટેક્સટાઇલ, કાર્પેટ અને હસ્તકલા જેવા ક્ષેત્રોની વિગતો પણ આપી હતી જેમાં પ્રસ્તુત સમજૂતી ને કારણે વિક્રમજનક વિકાસની શક્યતા રહેલી છે.
સંયુક્ત નિયામક, ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ શ્રી રાહુલ સિંહે આ કરારને ભારત દ્વારા વાટાઘાટો થકી પ્રાપ્ત કરેલ સૌથી વ્યાપક વેપાર કરાર ગણાવેલ હતું. તેઓએ ખાસ કરીને એ બાબત પર ભાર મૂક્યો હતો કે 99% ટેરિફ લાઇનને ડ્યુટી નાબૂદ કરીને ભારતની નિકાસને મોટો વેગ પ્રાપ્ત થશે જે લગભગ 100% વેપાર મૂલ્યને આવરી લે છે. તેઓએ નોંધ લીધી હતી કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, યુકે સાથેના ભારતના વેપારમાં નિકાસમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું છે જે ભારત માટે વધુ અનુકૂળ વેપાર સંતુલન તરફ આગળ વધવાનો સંકેત પૂરો પાડે છે.
આ કાર્યક્રમમાં આયોજિત થયેલ ઓપન ફોરમમાં સમગ્ર CETA વિષે વધુ વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અનિલ જૈન દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.