લૂંટ-વિથ મર્ડરની મહિલા નામ બદલીને રહેતી હતીઃ 16 વર્ષે ઝડપાઈ

AI Image
અમદાવાદના દંપત્તિને લૂંટી સુરત અને વડોદરાના પછાત વિસ્તારોમાં રહેતી હતી
અમદાવાદ, અસલાલીના કમોડથી ઈન્દિરાનગર રોડ પરથી ઘાટલોડિયાનું એક દંપતી વાહન પર પસાર થતું હતું ત્યારે એક ટોળકીના લોકોએ તેમને આંતરી લીધા હતા. આ ટોળકીએ હુમલો કરીને દંપતીના દાગીના સહિતની વસ્તુઓ લૂંટી લીધી હતી.
આ ટોળકીની મહિલા સિવાયના તમામ સાગરિતો ઝડપાઈ ગયા હતા પરંતુ મહિલા ૧૬ વર્ષથી ફરાર હતી ત્યારે ગ્રામ્ય એલસીબીએ બાતમી આધારે આ વૃદ્ધાની ધરપકડ કરી છે. આ ગુનો આચરી આરોપી મહિલા નામ બદલીને સુરત અને વડોદરાના પછાત વિસ્તારમાં રહેતી હતી.
ઘાટલોડિયામાં રહેતા દક્ષાબેન અને તેમના પતિ રાજેશભાઈ ર૦૦૯માં કમોડથી ઈÂન્દરાનગરના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં એક ટોળકીએ તેમને આંતરી લીધા હતા. દક્ષાબેનના દાગીના સહિતની મતા આ ટોળકીએ લૂંટી લીધી હતી. રાજેશભાઈને હથિયારો વડે માર માર્યો હોવાથી તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધ્યો હતો.
પકડાયેલા સાતેય આરોપીને આજીવન અને સાત વર્ષની સજા કરવામાં આવી હતી પરંતુ આ ગેંગની એક મહિલાએ પોલીસના નાકે દમ લાવી દીધો હતો. અનેક પ્રયાસો બાદ પણ મહિલા ઝડપાતી નહોતી. જો કે, તાજેતરમાં જ ગ્રામ્ય એલસીબીને આ મહિલાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડી છે.
પોલીસે જમના ઉર્ફે જમની ચુનારા (રહે.ધંધુકા)ને ઝડપી પાડી પૂછપરછ કરતા તે ૧૬ વર્ષથી સુરત અને વડોદરામાં નામ બદલીને પછાત વિસ્તારમાં રહેતી હોવાનું ખુલ્યું છે તે લોકો સાથે સંપૃક ન રાખતી હોવાથી પોલીસ તેના સુધી પહોંચી શકતી નહોતી ત્યારે ૧૬ વર્ષ બાદ બાતમી આધારે પકડાયેલી મહિલાને અસલાલી પોલીસના હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.