Western Times News

Gujarati News

પિતાનું અવસાન થયું અને બેંકમાં ખાતું બંધ કરાવવા પુત્રએ ફોન કર્યો અને 90 હજાર ગુમાવ્યા

બેંકમાં ફોન કરવા જતા ગઠીયાને ફોન લાગ્યો અને રૂ ૯૦ હજાર ગુમાવ્યા

(પ્રતિનિધિ) નડિયાદ, ઠાસરા તાલુકાના કોટલીડોરામાં રહેતા એક વ્યક્તિના પિતાનું અવસાન થયું હતું તેમના પિતાના ખાતામાં રૂપિયા ૬૦,૦૦૦ જમા હતા તે ખાતું બંધ કરાવી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે સેવાલિયાની બેંકમાં તેમણે કાર્યવાહી કરી હતી.

મેનેજરે થોડા દિવસમાં હું આપને ફોન કરું ત્યારે આવી જજો તેવું જણાવ્યું હતું જો કે ફોન ના આવતા તેમણે સેવાલિયા ની બેંક નો નંબર ગૂગલ થી લીધો હતો દરમિયાન ગઠીયા ના હાથે ચડી ગયા હતા અને ગઠીયા એ રૂપિયા ૯૦,૦૦૦ પડાવી લીધા હતા આ અંગે ડાકોર પોલીસમાં ફરિયાદ થઈ છે

મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામે ૩૨ વર્ષિય ભરતસિંહ ચાવડા રહે છે. વર્ષ ૨૦૨૪મા તેમના પિતાનું અવસાન થયું હતું. તેમના પિતાના ખાતામાં ૬૦ હજાર જેવી રકમ હતી જે વારસદાર તરીકે તેમના મૃત્યુ બાદ ભરતસિંહને ઉપાડવાની થતી હતી. આ બાબતે ભરતસિંહે વારસદાર તરીકેનું પોતાનું સોગંદનામું પણ તૈયાર કરી માર્ચ ૨૦૨૫મા બેંકમાં આપ્યું હતું અને તે સમયે બેંકના મેનેજરે જણાવેલ કે હું આપને બે ત્રણ દિવસમાં ફોન કરીને બોલાવ એટલે બેંક પર આવી જજો,

જોકે ત્રણ ચાર દિવસ વીતવા છતાં પણ બેંક મેનેજર નો ફોન આવ્યો નહીં જેથી ૨૧ માર્ચ ૨૦૨૫ના રોજ ભરતસિંહે ગુગલ ઉપરથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સેવાલિયા શાખાનો ફોન નંબર સર્ચ કરી લીધો હતો.

જોકે ખરાઈ કર્યા વગર ભરતસિંહે ફોન નંબર પર સંપર્ક કરતા તેઓ ગઠિયાના હાથે ચઢ્યા હતા. અને આ ગઠિયાએ વોટ્‌સએપ પર વિડિયો કોલ કરી પ્રોસેસ કરાવી હતી. જે બાદ ભરતસિંહના ખાતામાંથી રૂપિયા ૯૦,૬૦૦ ઉપડી ગયાનું જાણ થઈ હતી અને આ બાદ આ મોબાઇલ નંબર પર સંપર્ક કરતા તે નંબર બંધ આવતો હતો. બાદમાં ભરતસિંહે તપાસ કરતા આ રૂપિયા પોતાના અન્ય બેંક ખાતામાં જમા થયા હતા અને આ જ દિવસે તરત જ આ રૂપિયા ડેબીટ થયેલાની જાણ થઈ હતી.

આથી આ બનાવ સંદર્ભે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર અને એ? બાદ ગતરોજ ડાકોર પોલીસ મથકે ભરતસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.