Western Times News

Gujarati News

ભારતને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી!: ‘જલદી ટ્રેડ ડીલ કરો નહીંતર ૨૫% ટેરિફ ભરવા તૈયાર રહો’

નવી દિલ્હી, ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે ભારત સરકારે અમેરિકાને ૧ ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી હતી પરંતુ આ ડેડલાઈન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે.

ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વેપાર કરાર નહીં થાય, તો હું ભારત પર ૨૦-૨૫ ટકા સુધીનો ટેરિફ લાદીશ. આ માહિતી મામલા સાથે સંકળાયેલા સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મંગળવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે ભારત એક સારો મિત્ર છે, પરંતુ તેણે લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ્યા છે.

આ હવે આગળ પણ આવું નહીં ચાલે. ભારત પર વધુ ટેરિફ લાદી શકાય છે.” સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકાને ૧ ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવા વિનંતી કરી છે જેથી ૨૫ ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટો સુધી કરારની શક્યતાઓ ખુલ્લી રહે.

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “બંને પક્ષો વાતચીતમાં રોકાયેલા છે. હજુ બે દિવસ બાકી છે. કંઈ પણ થઈ શકે છે. આશા છે કે, અમેરિકા સમય આપશે, પરંતુ અંતિમ નિર્ણય ત્યાંની સરકારે લેવાનો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.