Western Times News

Gujarati News

ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, પાંચ વ્યક્તિઓનાં મોત

નવી દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પડી રહેલા મૂશળધાર વરસાદને પગલે સંખ્યાબંધ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહનવ્હવહાર ઠપ થઈ ગયો હતો. મેઘ કહેરને પગલે દેશમાં વિતેલા ૨૪ કલાકમાં પાંચ લોકોનાં મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હિમાચલના મંડીમાં સોમવારે રાત્રે વધુ એક વખત આભ ફાટતાં ઓચિંતું પૂરનું સંકટ સર્જાયું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ વરસાદ સંલગ્ન ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા તથા ૨૦ જેટલા વાહનો તણાઈ ગયા હતા. દિલ્હી અને ચંડીગઢના રસ્તાઓ પણ વરસાદથી પ્રભાવિત થયા હતા. હિમાચલના મંડીમાં ૧૯૮.૬ મીમી વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વરસાદ જેલ રોડ, સૈની મોહલ્લા અને ઝોનલ હોસ્પિટલમાં વરસ્યો હતો. શહેરના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને જણાવ્યું હતું કે, વરસાદને પગલે ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે એક ઘાયલ છે. મંડીમાં ગત મહિને પણ વાદળ ફાટવાની સંખ્યાબંધ ઘટના ઘટી હતી અને ફરી વાદળ ફાટતાં સામાન્ય જનજીવન ખોરવાયું છે.

એનડીઆરએફ, પોલીસ અને હોમગાર્ડ બચાવ કામગીરીમાં જોડાયા છે અને ૧૫-૨૦ લોકોને સલામત સ્થળએ ખસેડવામાં આવ્યા છે.મંડી જિલ્લામાં ત્રણ રાષ્ટ્રીય હાઈવે સહિત કુલ ૨૬૯ રોડ પૂરને પગલે બ્લોક થઈ ગયા છે. ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે (૨૧) પર મંડી અને કુલ્લુ વચ્ચે વિવિધ સ્થળોએ રસ્તા ધોવાઈ ગયા હોવાથી ત્યાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે.

રાજસ્થાનમાં અતિભારે વરસાદને લીધે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. કોટા, બુંદી, ઝાલાવાડ, ધોલપુર અને ટોંક સહિતના જિલ્લાઓમાં નદીઓ ભયજનક સપાટી ઉપર વહી રહી છે. રાજ્યમાં આવેલા વિવિધ ડેમના દરવાજાઓ પણ ખોલવાની ફરજ પડી હતી.

રાજસ્થાનમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્યથી ૮૫ ટકા વધુ વરસાદ નોંધાયો છે.દિલ્હીને મંગળવારે પણ મેઘરાજાએ ઘમરોળ્યું હતું. સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન બનતાં ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે પાણી ભરાઇ જવાને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.

અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું હતું. સિવિલ લાઈન્સ વિસ્તારમાં લેફ્ટનન્ટ ગર્વનરના ઘરની નજીક નિર્માણાધિન બિલ્ડિંગની દિવાલ ધસી પડતાં ૪૦ વર્ષીય મહિલા અને તેનો પુત્ર મોતને ભેટ્યા હતા તેમજ બે લોકો ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ મીરા અને ગણપત (૧૭) તરીકે થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.