પાક. આતંકવાદને ખતમ ન કરી શકતું હોય તો અમે મદદ કરવા તૈયારઃ રાજનાથ

નવી દિલ્હી, રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરતાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તેની ધરતી પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી શકતું ન હોય તો ભારત તેને મદદ કરવા માટે તૈયાર છે.
ભારતીય સુરક્ષા દળો સીમાપાર પણ આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર અટકાવી દેવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન ફરીથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો તે ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે છે.
અમારું વિઝન એ છે કે ઓપરેશન સિંદૂર સતત ચાલુ રહે. અલ્પવિરામ હોઈ શકે છે, પણ પૂર્ણવિરામ નહીં. પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાંથી ત્રાસવાદ નાબૂદ થાય તેવું ભારત ઇચ્છે છે. મેં પહેલા પણ પાકિસ્તાનને સલાહ આપી હતી અને આજે હું ફરીથી કહેવા માંગુ છું કે જો તમે આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરવામાં અસમર્થ છો તો ભારતની મદદ લો.
ભારતના દળો સરહદની આ બાજુ તેમજ બીજી બાજુ પણ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરવા સક્ષમ છે. પાકિસ્તાન ઓપરેશન સિંદૂર દરમિયાન આ જોઈ ચૂક્યું છે.
વિપક્ષ પર પ્રહાર કરતાં રાજનાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાછું મેળવવા અંગે કેટલાક વિપક્ષી નેતાઓ ઉઠાવેલા સવાલોથી મને આશ્ચર્ય થાય છે, કારણ કે તેઓ સત્તામાં હતાં ત્યારે તેઓએ તેનાથી વિપરીત કામ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીનું હંમેશા વલણ રહ્યું છે કે તે દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકોને ભારતીય શાસન વ્યવસ્થાનો ભાગ બનવાનો લહાવો મળશે.SS1MS