હરણી હોડી હોનારતના પીડિતોને ૧.૨ કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

વડોદરા, વડોદરાની હરણી તળાવ ખાતેની હોનારતને મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.૧.૨ કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ તળાવમાં ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાર બાળકો અને બે શિક્ષકોના પરિવારજનોને આપી દેવાશે.
અરજદાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે રૂ.૮૧,૯૯,૬૬૪ અને રૂ.૩૦,૭૪,૮૮૦ ની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવાઈ છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવાથી કોઈ વાંધો નથી. આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને છ અઠવાડિયામાં આ રકમ ચૂકવવાનું સૂચન કર્યું છે.
કોર્ટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ આદેશ અંગે પણ નોંધ લીધી છે. હાઈકોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીને લગભગ રૂ.૪ કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના વીરુદ્ધ પેઢીએ સુપ્રીમ કોર્ટમાં ખાસ અનુમતિ અરજી દાખલ કરી હતી.ગુજરાત હાઈકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ્સે દલીલ કરી હતી કે તળાવ માટે વીમો લેવામાં આવ્યો છે અને વીમા કંપનીને પણ કેસમાં સામેલ કરવી જોઈએ.
જોકે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ વિનંતી નામંજૂર કરી હતી અને હાઇકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે આંતરિક વિવાદો કે વીમા કવરેજ પેઢીની જવાબદારીથી મુક્તિ આપી શકતા નથી. હાઈકોર્ટે ફેબ્›આરી ૨૦૨૫માં આપેલા આદેશમાં પેઢીને રૂ.૩.૫ કરોડથી વધુની રકમ ચાર હપ્તામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. પ્રથમ ૨૫% હપ્તો ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી જમા કરાવવાનો હતો.
આ નિર્ણય સામે પેઢીએ સમીક્ષા અરજી કરી હતી અને દાવો કર્યાે હતો કે તેમના અગાઉના વકીલને વધુ જવાબદારી સ્વીકારવાનો અધિકાર નહોતો.આ સમીક્ષા અરજી પણ ૯ મે, ૨૦૨૫ના રોજ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે પહેલા આપેલો આદેશ માત્ર વકીલના નિવેદન પર આધારિત નહોતો અને કોર્ટે તમામ પાસાંઓનું સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા બાદ પેઢીને જવાબદાર ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ડેપ્યુટી કલેક્ટર, વડોદરા પેઢીની જમા કરેલી રકમ પીડિત બાળકોના માતાપિતા અને શિક્ષકોના પરિવારજનોને વહેંચી આપે.
ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પેઢીને હાઈકોર્ટમાં પેન્ડિંગ પીઆઈએલમાં તેના ભાગીદારો અને વીમા કંપનીને પક્ષકાર બનાવવા માટે સ્વતંત્રતા આપી છે.SS1MS