Western Times News

Gujarati News

ઝઘડીયાની વેલસ્પન કંપનીમાં કલર કામ કરતા પટકાયેલા શ્રમિકનું મોત

ઝઘડિયા, ઝઘડીયાની વેલસપન કંપનીમાં કલર કામ કરતા શ્રમિક નીચે પટકાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. અંકલેશ્વર ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કલર કામ કરતી વેળા પગ લપસતાં ૨૪ વર્ષીય યુવા કામદારના મોતથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. કંપની દ્વારા ૧૬-૧૬ કલાક સુધી હોસ્પિટલ પર ના આવતા પરિવાજનોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.

જો કોઈ જવાબ ન મળે તો મૃતદેહ લઇ કંપની ખાતે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વાલિયાના ગુંદિયા યુવકના મોતને લઇ ગ્રામજનો પણ હોસ્પિટલ તથા ઝઘડીયા કંપની ખાતે ધસી આવ્યા હતા.

ઝઘડીયા જીઆઇડીસી ખાતે આવેલી વેલસપન કંપનીમાં વાલિયાના ગુંદિયા ગામના ૨૪ વર્ષીય યુવક રમિતકુમાર રવિન્દ્ર વસાવા કલર કામ માટે ગયો હતો. તે ગત ૨૮મીના રોજ બપોરે કલર કામ કરી રહ્યો હતો, તે સમયે પગ લપસતાં પ્લેટફોર્મ ઉપર પડી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને તરત જ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અંકલેશ્વર દોડી આવ્યા હતા.

ઘટનાને ૧૬થી ૨૦ કલાક વિત્યા છતાં કંપનીના કોઈ અધિકારી હોસ્પિટલ ન આવતા પરિવાજનો અને ગ્રામજનો વિફરી ગયા હતા અને ભારે રોષ વ્યકત કર્યાે હતો.

તેમણે આક્ષેપ કર્યાે કે પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો ગુમાવ્યો છે, ત્યારે કંપની દ્વારા યોગ્ય વળતર નહીં અપાય તો મૃતદેહ કંપનીના ગેટ પર મુકીને ધરણાં કરશે.

બપોર બાદ ઝઘડીયા કંપની ખાતે પરિવાજનો અને ગામના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કંપનીએ સાંજ સુધી જવાબ આપવાની વાત કરી હતી, જેને લઇ પરિવાજનોમાં નારાજગી જોવા મળી હતી અને તેમનું કહેવું હતું કે જો સાંજના ૭ વાગ્યા સુધીમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો મૃતદેહ લઇ કંપનીના ગેટ પર ધરણાં શરૂ કરશે. ઘટનાને પગલે ઝઘડીયા જીઆઇડીસી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.