બીમ અને પિલરમાં તેલના ખાલી ડબ્બાઓ ઘુસાડ્યાનો પર્દાફાશ

ગોધરા, પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામની સરકારી શાળાના બાંધકામમાં પોલંપોલ બહાર આવી છે. બાંધકામમાં બીમ અને કોલમની વચ્ચે વચ્ચે તેલના ડબ્બાઓ મુકીને હલકીકક્ષાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે.
સ્થાનિકો દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવતા સમગ્ર પોલંપોલનો પર્દાફાશ થતાં રોષની લાગણી હતી. આ મામલે સરકારી કામમાં કેવી ઘાલમેલ ચાલે છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામની સરકારી શાળાના જર્જરિત મકાનના પોપડાઓ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ શાળામાં અભ્યાસ કરતા ૫૦૦થી વધારે માસૂમ વિધાર્થીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ા ખર્ચે ૧૨ ઓરડાઓની સુવિધાઓ સાથે ત્રણ માળની સરકારી શાળાના બાંધકામને મંજૂરી આપી હતી.
મીરાખેડી ગામમાં નવી બનાવવામાં આવી રહેલી સરકારી શાળાના બાંધકામમાં ઇજારદાર દ્વારા બીમ અને કોલમની વચ્ચેની જગ્યાઓમાં ખાલી તેલના ડબ્બાઓ ગોઠવીને હલકીકક્ષાના દેખાવ ખાતર સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત સિમેન્ટ કોંક્રિટ પાથરીને આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો સ્થાનિકો દ્વારા પર્દાફાશ થયો છે.
આ ભ્રષ્ટાચારને લઈને ઇજારદારનુ નામ બોલવા પણ કોઈ તૈયાર નથી. સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરો દ્વારા ૧૨ ઓરડાઓના બાંધકામ સાથેની ત્રણ માળની ઇમારતના બાંધકામની આ ડિઝાઇન પ્રમાણે જ ઇજારદારોએ કામ કર્યું હશે કે કેમ તે સવાલ છે. પરંતુ વચ્ચેની જગ્યામાં ઘુસાડવામાં આવેલા ખાલી તેલના ડબ્બાઓ અને હલકી ગુણવત્તાના સ્ટીલના મુદ્દે આ ઇજનેરોએ મૌન ધારણ કરી લીધું હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
બાળકો માટે બનાવવામાં આવી રહેલી શાળાનું આવી હલકી કક્ષાનું બાંધકામ થઈ રહ્યું હોવાથી આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માગ છે.SS1MS