શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો કોલેરાના ૨૫, કમળાના ૪૧૩ કેસ નોંધાયા

અમદાવાદ, અમદાવાદમાં જુલાઈ માસમાં પાણીજન્ય રોગચાળાના દોઢ હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે. જેમાં કોલેરા અને કમળાનો કહેર ચાલુ રહેવા પામ્યો છે. જુલાઈ માસના ૨૬ દિવસના સમયગાળામાં જ શહેરમાં કોલેરાના ૨૫ કેસ નોંધાયા હતા. જે પૈકી ૨૦ જેટલા કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા હોવાનું જાણવા મળે છે. જ્યારે કમળાના પણ ૪૧૩ કેસ સામે આવ્યા છે.
પાણીજન્ય રોગચાળાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને પગલે પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૭૯ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં જુલાઈ માસના ૨૬ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના મોટા પ્રમાણમાં કેસો સામે આવ્યા છે. ૨૬ દિવસમાં જ શહેરમાં કોલેરાના ૨૫ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.
કોલેરાના ૨૬ કેસ પૈકી વટવામાં ૪, મક્તમપુરામાં ૩, રામોલ- હાથીજણમાં ૩, અસારવામાં ૨, ઈસનપુરમાં ૨, ઠક્કરનગરમાં ૨, સરસપુર- રખિયામાં ૧, ખાડીયામાં ૧, ગોમતીપુરમાં ૧, અમરાઈવાડીમાં ૧, સરદારનગરમાં ૧, સરખેજમાં ૧, લાંભામાં ૧, નિકોલમાં ૧ અને ચાંદલોડીયામાં ૧ કેસ નોંધાયો છે. આ સાથે ચાલુ વર્ષે શહેરમાં કોલેરાના કુલ ૮૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના ૨૬ દિવસમાં ૭૦૩ કેસ, કમળાના ૪૧૩ અને ટાઈફોઈડના ૫૧૯ કેસ નોંધાયા છે.
આમ, જુલાઈ માસના ૨૬ દિવસમાં જ કોર્પાેરેશનના હેલ્થ વિભાગના સત્તાવાર ચોપડે પાણીજન્ય રોગચાળાના કુલ ૧૬૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવતા કોર્પાેરેશન દ્વારા જુલાઈ માસમાં જ ૬૫૧૦ પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૭૯ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.
આ સાથે ચાલુ વર્ષે પાણીના કુલ ૪૬ હજાર કરતા વધુ સેમ્પલની ચકાસણી કરાઈ હતી અને તેમાંથી ૩૫૮ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. પાણીજન્ય રોગચાળાની સામે મચ્છરજન્ય રોગચાળો કાબુમાં છે. જુલાઈ માસના ૨૬ દિવસમાં સાદા મેલેરિયાના ૮૯ અને ડેન્ગ્યૂના ૭૫ કેસ સામે આવ્યા છે. જ્યારે ઝેરી મેલેરિયાના ૯ કેસ નોંધાયા છે. ઉપરાંત ચીકનગુનિયાના ૩ પણ કેસ નોંધાયા છે.
ડેન્ગ્યૂના ૭૫ કેસ સામે ચાલુ વર્ષે કુલ કેસોની સંખ્યા ૨૩૬ પર પહોંચી ગઈ છે. ડેન્ગ્યુના કેસો સામે આવતા કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા જુલાઈ માસમાં ૪૨૩૨ સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૯ હજાર કરતા વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.SS1MS