રાજ્યની સરકારી યુનિ.ઓમાં ૧૯ રાઉન્ડ પછી બેઠકો ખાલી

અમદાવાદ, રાજયમાં સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસના માધ્યમથી પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૯ રાઉન્ડ પુરા કર્યા પછી પણ મોટાભાગની યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં બેઠકો ખાલી પડી છે ત્યારે હવે યુનિવર્સિટીએ જીકાસમાં રજિસ્ટ્રેશન સાથે ફરીવાર એક રાઉન્ડ કરવાની માંગણી કરી હોવાની વિગતો બહાર આવી છે.
આમ, ૧૯-૨૦ રાઉન્ડ પછી પણ મોટાભાગની યુનિવર્સિટીની બેઠકો ખાલી પડતાં જીકાસ સામે સંચાલકો, વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ સાથે નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અત્યાર સુધી પોતાની રીતે આર્ટસ,કોમર્સ અને સાયન્સ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા કરતી હતી. બે વર્ષથી સરકાર દ્વારા જીકાસના માધ્યમથી રજિસ્ટ્રેશન અને પ્રવેશ ફાળવણી કરવાનું શરૂ કર્યું છે. ચાલુવર્ષે જીકાસના માધ્યમથી ૧૯ રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે.
આટલા બધા રાઉન્ડ કરવા છતાં ગુજરાત યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી પડી છે. બીજીબાજુ ઓછી ટકાવારી ધરાવતાં અસંખ્ય વિદ્યાર્થીઓએ વારંવાર કોલેજોની ચોઇસ આપવા છતાં પ્રવેશ ફાળવવામાં આવતો નથી.
આમ, જીકાસના માધ્યમથી થતી પ્રવેશ કાર્યવાહીમાં હાલમાં ૪૦થી ૫૦ ટકા વચ્ચેની ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રીતસરનો રઝળપાટ કરી રહ્યા છે. જુદી જુદી કોલેજના પ્રિન્સિપાલ કહે છે કે, સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે ઓનલાઇનમાં બેથી ત્રણ રાઉન્ડ અને એક ઓફ લાઇન રાઉન્ડ કરવામાં આવે તો તમામ બેઠકો ફુલ થઇ જતી હતી.
આ ઉપરાંત નીચી ટકાવારીથી લઇને ઉંચી ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીઓને પણ કોઇને કોઇ કોલેજમાં પ્રવેશ મળી જતો હતો. જીકાસના માધ્યમથી હાલમાં ૧૯ રાઉન્ડ પુરા કર્યા પછી પણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પણ મોટભાગની બેઠકો ખાલી પડી છે.
હાલમાં ૨૦મો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવે રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓએ સરકારમાં એટલે કે જીકાસમાં એવી લેખિતમાં રજૂઆત કરી છે કે, ખાલી બેઠકોની સંખ્યા જોતાં ફરી એકવાર જીકાસના માધ્યમથી રજિસ્ટ્રેશન શરૂ કરીને નવો રાઉન્ડ કરવો જોઇએ.
ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં જુદી જુદી કોલેજોમાં ૪૫૯૪૫ બેઠકો ભરાઇ હોવાની આંકડાકીય વિગતો જીકાસ દ્વારા જાહેર કરવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટીની કઇ કોલેજમાં કેટલી બેઠકો ભરાઇ છે અને કેટલી ખાલી છે તેની કોઇ વિગતો કોલેજો દ્વારા યુનિવર્સિટીને આપવામાં આવતી નથી.
આ મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે, કોલેજોને વારંવાર સૂચના આપવા છતાં કેટલી બેઠકો ખાલી છે તેની વિગતો આપતી નથી. કેટલીક કોલેજો હજુ પ્રવેશની વિગતો અપલોડ કરવામાં આવી નથી તેવા બહાનાઓ આગળ ધરીને પ્રવેશની આંકડાકીય વિગતો આપતી નથી.SS1MS