અમે પુરવાર કરી દીધું છે કે શા માટે અમારી ટીમ મહાન છેઃ ગિલ

માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં જે રીતે ભારતે બેટિંગ કરી અને અંતિમ દિવસે કપરાં પડકારનો સામનો કરીને મેચ બચાવી તેનાથી ટીમના સુકાની શુભમન ગિલે સંતોષ વ્યક્ત કર્યાે હતો. ગિલે જણાવ્યું હતું કે મને લાગે છે કે આ રમત દ્વારા અમે પુરવાર કરી દીધું છે કે શા માટે અમારી ટીમ મહાન છે.
અહીં રમાયેલી ચોથી ટેસ્ટમાં ૩૧૧ રનના દેવા બાદ ભારત સામે ઇનિંગ્સના પરાજયનું જોખમ હતું ત્યારે ખુદ શુભમન ગિલે સદી ફટકારવાની સાથે સાથે કે એલ રાહુલ (૯૦) સાથે વિશાળ ભાગીદારી નોંધાવીને ટીમને ડ્રો માટે પાયો રચી આપ્યો હતો જેને મજબૂત બનાવીને રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બેવડી સદીની ભાગીદારી ખડકીને મેચ ડ્રો કરાવી આપી હતી.
આ પરિણામ સાથે ભારત હાલમાં પાંચ ટેસ્ટની સિરીઝને સરભર કરવાની તક લાવીને ઉભું છે અને ૩૧મીથી શરૂ થઈ રહેલી ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટમાં મજબૂત આત્મવિશ્વાસ સાથે રમી શકે છે.શુભમન ગિલે જણાવ્યું હતું કે ૧૪૦ ઓવર સુધી રમવાના માનસિકતા રાખવી તે આસાન બાબત નથી અને આ જ બાબત સારી ટીમ અને મહાન ટીમ વચ્ચેનો ફરક દર્શાવે છે.
મને લાગે છે કે અમે માન્ચેસ્ટર ખાતે આ પુરવાર કરી દીધું છે કે અમારી ટીમ મહાન છે.શૂન્ય પર જ બે વિકેટ ગુમાવવી અને ત્યાર બાદ મારી અને રાહુલ વચ્ચેની ભાગીદારીએ ટીમમાં વિશ્વાસનું સંપાદન કર્યું હતું.
ત્યારે જ અમને લાગ્યું હતું કે અમે મેચ બચાવી શકીએ છીએ. આ પરિસ્થિતિમાંથી મેચ ડ્રો કરવાથી હું ખરેખર ખુશ છું અને સંતુષ્ટ પણ છું તેમ ગિલે ઉમેર્યું હતું.રાહુલે શાનદાર બેટિંગ કરીને ૯૦ રન ફટકાર્યા હતા અને સાથે સાથે પોતાના કેપ્ટન ગિલ સાથે મળીને તેણે ૧૮૮ રન ઉમેર્યા હતા. જોકે ત્યાર બાદનો દિવસ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરનો રહ્યો હતો. આ બંને બેવડી સદીની ભાગીદારી નોંધાવી હતી અને અંતે સદી પણ ફટકારી હતી.
કારકિર્દીમાં પહેલી વાર ભારતીય ટીમનું સુકાન સંભાળનારા ૨૫ વર્ષીય ગિલે આ સિરીઝમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ૭૦૦થી વધારે રન ફટકાર્યા છે.
જેમાંએક બેવડી સદી સાથે ચાર સદીનો સમાવેશ થાય છે.જોકે આ સિરીઝની પોતાની ચાર સદીમાં ગિલે માન્ચેસ્ટર ખાતેની સદીને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે મારા મતે સિરીઝની નવ ઇનિંગ્સમાં આ ઇનિંગ્સ અને સદી સર્વશ્રેષ્ઠ હતી.રવિવારે શુભમન ગિલ આઉટ થયો ત્યારે પણ મેચ હજી ઇંગ્લેન્ડના હાથમાં જ હતી પરંતુ જાડેજા અને સુંદરે અંત સુધી બેટિંગ કરીને અંગ્રેજ બોલર્સને હંફાવ્યા હતા અને થકવી દીધા હતા.
શુભમન ગિલે પોતાની ટીમના સાથીઓના પ્રયાસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જ્યારે જાડેજા અને વોશી (સુંદર) બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ આસાન ન હતી. બોલ પણ સારી રીતે સ્વિંગ અને મૂવ થઈ રહ્યો હતો.
આ તબક્કે બંનેએ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી અને તેમાં ય અંતે સદી પૂરી કરવી તેનાથી અહેસાસ થાય છે કે તેમણે કેવી સિદ્ધિ હાંસલ કરી છે.વોશિંગ્ટન સુંદરનો ઇનિંગ્સ ખાસ રહી હતી કેમ કે તેણે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને તે પણ એવા સમયે જ્યારે ટીમને ખરેખર તેની પાસેથી મોટી અપેક્ષા હતી અને ટીમને આ પ્રકારની બેટિંગની જરૂર હતી.SS1MS