રાજ્યના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં વધુ 151 બસો સેવારત થઈ

File Photo
એસ. ટી. નિગમ દરરોજ 8 હજારથી વધુ બસોના સંચાલન દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને આવાગમન સેવાઓ પૂરી પાડે છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું :: વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ::
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આ વર્ષે 100 નવી AC બસ સહિત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ પ્રકારની 2063 બસો મુસોફરોના પરિવહન માટે સેવામાં મુકાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા જાહેર પરિવહન અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણને વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો છે. તેને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી અસરકારક પરિવહન સેવાઓ સાથે સૌને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવાની દિશામાં સતત આગળ વધતા આજે એસ.ટી.ની વધુ 151 બસોનો પ્રારંભ કરાવ્યો હતો.
આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ PPP મોડલ અંતર્ગત 100 આધુનિક AC બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે.
આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો રૂ. 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમની ગંતવ્યસ્થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમની નવી 151 બસોને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો શ્રીમતિ રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ ડૉ. આશિષ દવે, વાહન વ્યવહાર અગ્ર સચિવ શ્રી આર. સી. મીણા, એસ.ટી. નિગમના એમ.ડી. શ્રી નાગરાજન અને વરિષ્ઠ અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.