Western Times News

Gujarati News

દિલ્હીમાં ૩૦૦ યુનિટો સુધી વિજળી ફ્રી :કોંગ્રેસનું વચન

પ્રતિકાત્મક તસવીર

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આજે પોતાનું ઘોષણાપત્ર જારી કર્યું હતું. કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપવાનું વચન આપ્યું છે. સરકારી નોકરીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા, ૨૦૦૦૦ લીટરથી ઓછા પાણી ખર્ચ પર ૩૦ પૈસા પ્રતિલીટરના હિસાબથી કેસબેક જેવા પોતાના વચનની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે વચન આપ્યું છે કે, જા તેની પાર્ટી સત્તામાં આવશે તો એનપીઆર અને એનઆરસીને લાગૂ કરવામાં આવશે નહીં.


દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા, અજય માંકન અને આનંદ શર્માએ કોંગ્રેસ તરફથી ચૂંટણી ઘોષણાપત્ર જારી કરીને વચન આપ્યા હતા. ઘોષણાપત્રમાં ટ્રાન્સઝેન્ડર માટે શીલા પેન્શન યોજના હેઠળ ૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિના ભત્થા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને અન્ય વચનો પણ આપવામાં આવ્યા છે. અમારી દિલ્હી ટેગ લાઈન સાથે આ ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, કર્ણાટકની ઈન્દિરા  કેન્ટીનની જેમ જ ૧૦૦ ઈન્દિરા  કેન્ટીન ખોલવામાં આવશે. દિલ્હીની પ્રજાને વચન આપવામાં આવ્યું છે કે, જે લોકોની નોકરી જતી રહી છે તે લોકોને તેમની સરકાર બન્યા બાદ પાંચ હજારનું વળતર આપવામાં આવશે.

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, ૩૦૦ યુનિટ સુધી વિજળી ખર્ચ થવાની સ્થિતિમાં કોઇ બિલ આવશે નહીં. એટલે કે ૩૦૦ યુનિટ સુધી વિજળી ફ્રી રહેશે. ૩૦૦થી ૪૦૦ યુનિટ ખર્ચ થવાની સ્થિતિમાં  ૫૦ ટકા, ૪૦૦થી ૫૦૦ યુનિટ પર ૩૦ ટકા જ્યારે ૫૦૦થી ૬૦૦ યુનિટ ખર્ચ થવા પર ૨૫ ટકાની છુટ આપવામાં આવશે. કોંગ્રેસે યુવા સ્વાભિમાન યોજના લાગૂ કરવાની વાત કરી છે.

ગ્રેજ્યુએટ યુવાનોને પાંચ હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોને ૭૫૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસે એવું વચન પણ આપ્યું છે કે, બીપીએલ ક્વોટાવાળા પરિવારના એક સભ્યને સ્ટાર્ટઅપ માટે ૨૫ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે, મહિલાઓને સત્તામાં આવ્યા બાદ ૩૦ ટકા અનામત આપવામાં આવશે.

દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. કોંગ્રેસે ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે, જા તેમની સરકાર આવશે તો કુલ બજેટ પૈકી ૨૫ ટકા રકમ પ્રદૂષણ ઉપર ખર્ચ કરવામાં આવશે. સરકારમાં આવ્યા બાદ છ મહિનામાં લોકપાલ બિલ લાવવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહન આપવા માટે હોમી ભાભા રિસર્ચ ફંડ બનાવવામાં આવશે. એમ્સ જેવી પાંચ નવી હોસ્પિટલ બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.