મુખ્યમંત્રીએ અસ્મિતા સન્માન પુરસ્કાર 2025માં ગુજરાતના વિઝનરીઝની પ્રશંસા કરી

GCCI ના પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી પારુ જયકૃષ્ણને તેમના પથપ્રદર્શક નેતૃત્વ અને ગુજરાતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કવિ રાજેન્દ્ર શુક્લાને ગુજરાતી સાહિત્યિક શ્રેણી હેઠળ તેમના યોગદાન માટે પુરસ્કારથી સન્માનિત કરાયા
શિક્ષણ શ્રેણીમાં, ગોધરાના નવા નદીસરની સરકારી પ્રાથમિક શાળાના રાકેશ પટેલને અનોખા પ્રયોગથી ગ્રામીણ સરકારી શાળાને એક આદર્શ સંસ્થામાં પરિવર્તિત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત, 28 જુલાઈ, 2025: દેશની અગ્રણી ગુજરાતી સમાચાર ચેનલ એબીપી અસ્મિતામાં, પ્રતિષ્ઠિત અસ્મિતા સન્માન પુરસ્કાર 2025માં રાજ્યના જ્ઞાત-અજ્ઞાત નાયકોની ભાવના, સમર્પણ અને દ્રઢતાનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એવા લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ પ્રકાશમાં આવી જેમણે નિઃસ્વાર્થપણે તેમના નોંધપાત્ર કાર્ય દ્વારા ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપ્યું છે.
CM Bhupendra Patel Lauds Gujarat’s Visionaries at ABP Asmita Sanman Puraskar 2025.
શિક્ષા અને સંસ્કૃતિથી લઈને વિજ્ઞાન, રમતગમત અને સામાજિક સેવા, સંગીત, મનોરંજન સુધીના વિવિધ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ યોગદાન આપનારા લોકોને ‘અસ્મિતા સમ્માન પુરસ્કાર ” સમર્પિત છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યની સતત પ્રગતિ માત્ર નીતિ અથવા માળખાગત સુવિધાઓ દ્વારા જ નહીં પરંતુ આવા વ્યક્તિઓના મૂલ્યો, પ્રતિબદ્ધતા અને સેવા દ્વારા પણ પ્રેરિત છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અસ્મિતા સન્માન પુરસ્કારએ ગુજરાતની ગતિશીલ, પ્રગતિશીલ ભાવનાનું સાચું મૂર્ત સ્વરૂપ હોવાનું કહી પ્રશંસા કરી હતી.
આ વર્ષના પુરસ્કાર વિજેતાઓએ અલગ અલગ નવ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિક્ષણ શ્રેણીમાં, શ્રી રાકેશ પટેલને અનોખા પ્રયોગથી ગ્રામીણ સરકારી શાળાને એક આદર્શ સંસ્થામાં પરિવર્તિત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરાના નવા નદીસરની સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં ‘મસ્તી કી પાઠશાલા’ છે. શિક્ષક રાકેશ પટેલ વિદ્યાર્થીઓ સાથે આ સ્કૂલમાં પ્રેક્ટિકલ નોલેજ પર વિશેષ ભાર અપાય છે. જેનાથી વિદ્યાર્થીઓના મા-બાપને પણ લાગે કે તેઓ સ્કૂલમાં કંઈક હકારાત્મક બાબતો શીખી રહ્યા છે, જે તેને ઘરમાં પણ કામમાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, તેનાથી વિદ્યાર્થીઓના વાલીઓના મનમાં એવો વિશ્વાસ પ્રસ્થાપિત થાય છે કે ભણીને બાળકો તેમનાથી દૂર નહીં થઈ જાય.
શ્રી સુરેશ આહિરને શારીરિક પડકારોનો સામનો કરવા છતાં દિવ્યાંગ સમુદાયના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ સમાજ સેવા શ્રેણી હેઠળ પુરસ્કાર મળ્યો હતો. પાયાના સ્તરે ખો-ખોની પરંપરાગત રમતને પ્રોત્સાહન આપવા માટે તેમના સામૂહિક પ્રયાસો બદલ શિક્ષક રસિકભાઈ અને બિલિયા આંબાના વિદ્યાર્થીઓને રમતગમત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા ભૂમિ ત્રિવેદીને ગાયન થકી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અપૂર્વ યોગદાન બદલ સંગીત શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મનોરંજન પુરસ્કાર પીઢ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગમંચ અને સિનેમામાં તેમના લાંબા સમયના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.
ઉદ્યોગમાં પથપ્રદર્શક અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી પારુ જયકૃષ્ણને તેમના પથપ્રદર્શક નેતૃત્વ અને ગુજરાતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રતિષ્ઠિત મહા સન્માન ડૉ. જે. એમ. વ્યાસને ગુજરાતમાં ફોરેન્સિક વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં તેમના પરિવર્તનકારી યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો.
અસ્મિતા પુરસ્કાર એ પ્રેરક વ્યક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો કાર્યક્રમ છે, જેમના કાર્યો, ઘણીવાર લોકોની નજરથી દૂર હોવા છતાં, તેમણે તેમના યોગદાનથી સમાજને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. Asmita Sanman Puraskar 2025 એ એબીપી અસ્મિતાના પ્રેરણા આપતા આવી વિરલ વ્યક્તિત્વોને ઓળખી સન્માન કરવાની પ્રતિબદ્ધતાનું દર્શન કરાવે છે. રાજ્યની સાંસ્કૃતિક અને સામાજિક ભાવનાને સમજી, એબીપી અસ્મિતા પ્રેરણાદાયીકાર્યો થકી યોગદાન કરતાં વ્યક્તો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કટિબદ્ધ છે. જેઓ ખરેખર ગુજરાતની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.