ટેરીફ વધશે તો ભારતના સોના-ચાંદીના ઘરેણાં, કપડાં ઉદ્યોગોને સૌથી વધુ અસર થશે

પ્રતિકાત્મક
અમેરિકાનો ભારત પર ૨૫ ટકા ટેરિફ -રશિયા સાથે ભારતનો વેપાર વધતાં ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યુઃ આ ટેરિફ ૧ ઓગસ્ટથી અમલમાં આવશે
ટ્રમ્પે કહ્યું કે, ભારત અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદે છે, જેના જવાબમાં આ પારસ્પરિક ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.
(એજન્સી)વોશિંગ્ટન, ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતામાં હવે તિરાડ પડવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી બે ખાસ મિત્ર હતા. પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાં જ એકતરફી નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. અને પોતાના વિચારો અને નિર્ણયો બીજા દેશના પ્રમુખો ઉપર થોપવાનું પ્રયાસ કરે છે. અને જે કોઈ તેનું ઈનકાર કરે તેના ઉપર ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યાં છે.
ભારતને રશિયા સાથે વધી રહેલાં વેપાર પર અંકુશ મૂકવા ડોનાલ્ડ ટ્રમ્પે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ ભારત અમેરિકા સામે નહીં ઝુકતાં બંને દેશો વચ્ચેની વેપાર ડીલ અટકી પડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તારીખ ૧ ઓગસ્ટ સુધીનો સમય ભારતને આપ્યો હતો. છેલ્લા કેટલાંક મહિનાઓથી ભારતનો અમેરિકા સાથે વેપાર ઘટી રહ્યો હતો અને રશિયા પાસેથી વધુ પ્રમાણમાં તેલ ખરીદવાની સાથે હથિયારો પણ ખરીદતું હતું.
તેને ધ્યાનમાં રાખી આજે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકાનો ટેરિફ લાદી દેતાં તેની શું અસર થશે તે અંગે ભારતમાં સંબંધિત વિભાગોના મંત્રીઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદતાં જણાવ્યું હતું કે, બધું બરાબર નહીં હોવાના કારણે ટેરિફ લાદવાની ફરજ પડી છે. અમેરિકા અને ભારત વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ ગઈ છે. અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે, અમેરિકા ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી. હવે ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોમ એક્સ પર આ અંગે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતની અમેરિકામાં નિકાસ ૨૨.૮ ટકા વધીને ૨૫.૫૧ બિલિયન ડોલર થઈ છે, જ્યારે આયાત ૧૧.૬૮ ટકા વધીને ૧૨.૮૬ બિલિયન ડોલર થઈ છે.
ટ્રમ્પે કહ્યું કે, ભારત અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદે છે, જેના જવાબમાં આ પારસ્પરિક ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. આ ટેરિફ ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી અમલમાં આવશે. હવે આ અંગે વાટાઘાટો ઓગસ્ટના બીજા અઠવાડિયા પછી ફરી શરૂ થઈ શકે છે.
\આનાથી ભારતીય નિકાસકારો પર, ખાસ કરીને ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રોમાં, ઊંડી અસર પડી શકે છે. ભારત સરકારે આ નિર્ણયનો અભ્યાસ શરૂ કર્યો છે અને વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવાની વાત કરી છે.
નિષ્ણાતો માને છે કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર અને રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જો આ અઠવાડિયે ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નહીં આવે, તો ભારતને ૨૫ટકા સુધીની આયાત ડ્યુટી (ટેરિફ)નો સામનો કરવો પડી શકે છે. મંગળવારે, જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, જો કરાર ન થાય તો શું ભારતે વધુ ટેરિફ ચૂકવવા પડશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, હા, મને એવું લાગે છે.
અમેરિકાએ ભારત અને કેટલાક અન્ય દેશોને ૧ ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, કાં તો તેઓએ આ તારીખ સુધીમાં વેપાર કરાર કરવો જોઈએ અથવા તેમને વધેલા ટેરિફનો સામનો કરવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ભારત, ભલે અમેરિકાનો મિત્ર દેશ હોય, પરંતુ વેપારની દ્રષ્ટિએ ક્્યારેય સંપૂર્ણ સહકારી રહ્યું નથી.
ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. તેમના મતે, ભારતના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણોસર અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે ભારત લશ્કરી સાધનોની ખરીદી માટે મોટે ભાગે રશિયા પર નિર્ભર છે. વધુમાં, તેમણે જણાવ્યું કે ભારત ચીનની સાથે રશિયા પાસેથી ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર પણ છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે તેવી ઈચ્છા રાખે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતે ઓગસ્ટ ૧ થી ૨૫% ટેરિફ સાથે દંડ ચૂકવવો પડશે.
તેમણે આ નિવેદનના અંત પોતાના જાણીતા સૂત્ર માગા (અમેરિકાને ફરીથી મહાન બનાવો) નું પુનરાવર્તન પણ કર્યું, જે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો ભાગ છે. આ ૨૫% ટેરિફ ભારતીય નિકાસકારો માટે મોટો પડકાર ઉભો કરશે, કારણ કે તેમના ઉત્પાદનો અમેરિકન બજારમાં વધુ મોંઘા બનશે, જેનાથી તેમની સ્પર્ધાત્મકતા ઘટશે.
આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધારી શકે છે. ભારત પણ વળતા પગલાં તરીકે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદી શકે છે, જેનાથી વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે. ભૌગોલિક-રાજકીય સંબંધોઃ રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને ટ્રમ્પના નિવેદનો બંને દેશો વચ્ચેના ભૌગોલિક-રાજકીય સંબંધોમાં પણ નવા સમીકરણો લાવી શકે છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, સંભવિત કરારમાં તેઓ ભારત પાસેથી શું અપેક્ષા રાખે છે, ત્યારે તેમણે કહ્યું કે, ચાલો જોઈએ શું થાય છે. ભારત એક સારો મિત્ર રહ્યો છે, પરંતુ ભારતે અત્યાર સુધી લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ્યા છે. તેમણે આગળ કહ્યું કે, પરંતુ હવે હું જવાબદારીમાં છું, અને હવે આવું નહીં ચાલે.