Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કમિશનર રીવ્યુ બેઠકમાં વાણી મર્યાદા ભૂલ્યા

વિકલી રીવ્યુ બેઠકમાં મહિલા અધિકારીઓની હાજરીમાં કમિશનરે વાણી સંયમ ગુમાવ્યો હોવાની ચર્ચા

મ્યુનિ. કમિશનરે રીવ્યુ બેઠકમાં પબ્લીસીટી વિભાગના ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયનો પણ ઉધડો લીધો હતો.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં દર સપ્તાહે મળતી રીવ્યુ બેઠકમાં તળાવમાં ઠલવાતા ગંદા પાણી, પાણીમાં કોરીનનો અભાવ, પબ્લીસીટી વિભાગની નિષ્ફળતા વિગેરે મામલે ઉગ્ર ચર્ચા થઈ હતી અને કમિશનરે જવાબદાર અધિકારીઓને આડા હાથે લીધા હતાં પરંતુ આ દરમિયાન કમિશનર વાણી સંયમ ભુલ્યા હતા અને મહિલા અધિકારીની હાજરીમાં જ ન બોલવા લાયક શબ્દ બોલ્યા હતાં તે બાબત અધિકારી વર્ગમાં ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત કોર્પોરેશનની તમામ ઓફિસોમાં સ્વચ્છતા એવોર્ડ લેતા કમિશનરનો ફોટો લગાવવાનો સ્વયંમ આદેશ પણ કર્યો હતો

શહેરના તળાવોમાં બે રોકટોક ગટરોના ગંદા પાણી ઠલવાઈ રહયા છે ઈજનેર વિભાગને આ અંગે વારંવાર સુચના આપી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી તથા આઉટલેટ પર દેખાવ પુરતી જ ડમી મારવામાં આવે છે જેવા વિવિધ કારણોસર મ્યુનિ. કમિશનરે રીવ્યુ બેઠકમાં સીટી ઈજનેર (વોટર રીસોર્સ)નો ઉધળો લીધો હતો.

સાથે સાથે ઈજનેર અધિકારીઓ ત્રણ લેયર પાઈપલાઈન કરે છે તેથી એક લાઈન પર ડમી મારવામાં આવે તો બાકી બે ખુલ્લી રહે છે તે બંધ કરવા માટે પણ આદેશ આપ્યા હતાં. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં કલોરીનનો અભાવ જોવા મળે છે તેથી ઈજનેર વિભાગના તમામ અધિકારીઓ પર કમિશનર કોપાયમાન થયા હતા અને વોર્ડ લેવલે ફરજ બજાવતા ઈજનેર કર્મચારીઓને શો કોઝ નોટીસ ફટકારવા આદેશ આપ્યો હતો.

જોકે આ સમગ્ર ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કમિશનરે બે થી ત્રણ વખત વાણી સંયમ કે વાણીની મર્યાદા ઓળંગી હતી જેના કારણે ચાર મહિલા અધિકારીઓ સહિત બેઠકમાં તમામ લોકો ચોંકી ઉઠયા હતાં અને તે બાબતનો ગણગણાટ સમગ્ર દિવસ દરમિયાન મ્યુનિ. ભવનમાં ચાલ્યો હતો. રીવ્યુ બેઠકમાં ડેપ્યુટી કમિશનર નિરાંત પરીખની કામગીરી મુદ્દે પણ કમિશનર અકળાયા હતા.

મ્યુનિ. કમિશનરે ખાનગી સોસાયટીઓ કે જે બોર આધારિત છે તેમાં પણ કલોરિનેશનની કામગીરી કરવા સુચના આપી હતી જેની ફાઈલ ઘણા દિવસથી નિરાંત પરીખના ટેબલ પર પડી રહી હતી જે બુધવાર સવારે જ સબમીટ કરવામાં આવી હોવાથી કમિશનરે તેમનો પણ ઉધડો લીધો હતો. મ્યુનિ. કમિશનરે રીવ્યુ બેઠકમાં પબ્લીસીટી વિભાગના ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયનો પણ ઉધડો લીધો હતો.

ક્રોધિત કમિશનરે પબ્લીસીટી વિભાગની નબળી કામગીરી અંગે ટીકા કરતા જણાવ્યું હતું કે આ વિભાગને માત્ર ફંકશનો કરવામાં જ રસ છે પરંતુ કોર્પોરેશનની કામગીરીનો યોગ્ય પ્રચાર કરવામાં લેશમાત્ર રસ નથી. ઈજનેર અધિકારીઓએ દિવસ રાત એક કરી ઈસ્ટન ટ્રંક લાઈનનું કામ પૂર્ણ કર્યું છે તે અંગે કોઈ જ પ્રચાર- પ્રસાર પબ્લીસીટી વિભાગ તરફથી કરવામાં આવ્યો નથી તે બાબત અત્યંત શરમજનક છે.

અમદાવાદ શહેરનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો હોવા છતાં તેનો યશ લેવામાં પણ પબ્લીસીટી વિભાગ નબળો સાબિત થયો છે. તેવી ટીકા પણ તેમણે કરી હતી સાથે સાથે કોર્પોરેશનની તમામ ઓફિસોમાં સ્વચ્છતાનો એવોર્ડ લેતા કમિશનરનો ફોટો લગાવવાનો આદેશ પણ તેમણે કર્યો હતો

તેથી આગામી દિવસોમાં ઓફિસે- ઓફિસે મ્યુનિ. કમિશનરના ફોટા લાગી જશે. રીવ્યુ બેઠકમાં પ થી ૧૦ મિનિટ મોડા આવનાર ત્રણ આસીસ્ટન્ટ કમિશનર હાર્દિક ઠાકોર, પંકજ ભૂત અને શ્રીકુમાર સોનીને કમિશનરે ઓફિસમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને ‘ગેટ આઉટ’ કહીને બુમ પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.