ફોર્ચ્યુનર કારે ચલાવનાર ચાલકે એક્ટિવા અને રિક્ષાને ટક્કર મારીઃ યુવકનું મોત

શાહીબાગમાં નશાખોર કારચાલકે ૨ વાહનને ટક્કર મારી,૧નું મોત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે વહેલી સવારે શહેરમાં ૨ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. શાહીબાગ અને અખબાર નગર એમ બે વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. જેમાં ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજયું અને ૧ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને અકસ્માતની ઘટનામાં પોલીસે બેફામપણે વાહન હંકારનારા સામે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. અકસ્માતને લઈને સરકારના કડક કાયદા હોવા છતાં હજુ પણ તથ્ય પટેલ જેવા નબીરાનો રોફ ઓછો થતો નથી. મોંઘા વાહન હાથમાં આવતાં જ નબીરાઓ છાકટા બની જાય છે. શાહીબાગ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારે ચલાવનાર ચાલકે એક્ટિવા અને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજયું.
જ્યારે રિક્ષાચાલક ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ.અકસ્માતની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે શાહીબાગમાં અકસ્માત કરનાર કારચાલક પાસે લાયસન્સ નહોતું. અને છતાં પણ બેફામપણે વાહન હંકારતો હતો.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કારચાલકની અટકાયત કરી. નશાખોર કાર ચાલક અખબારનગર અંડરપાસના દરવાજા સાથે પણ અથડાયો હતો. નશાખોર ચાલકે અકસ્માત સર્જ્યો. અમદાવાદ જ નહીં ગુજરાતભરમાં અકસ્માતથી મોત થયાની ઘટનાઓ વધી રહી છે.
ટ્રાફિકના કડક નિયમ છતાં નબીરાઓ બેફામ બની પૂરપાટ વેગે કાર ચલાવી પોતાનો શોખ પૂરો કરવા અન્યોના જીવને જોખમમાં મૂકે છે. આવા નબીરાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આવા નબીરાઓ પર આખરે કયારે લગામ લગાશે?