સિકયોરિટી કોન્ટ્રાકટરોના પેમેન્ટની ફાઈલ પર સાહેબ ‘વજન’ મુક્યા વિના સહી ન કરતા હોવાના આક્ષેપ

પ્રતિકાત્મક
મ્યુનિ. સિકયોરિટી કોન્ટ્રાકટમાં ‘સબકા સાથ સબકા વિકાસ’ નો અભિગમ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ મિલકતોની જાળવણી માટે સિકયુરીટીના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. વર્તમાન જે કંપનીઓના કોન્ટ્રાકટ ચાલી રહયા હતા તેની મુદત પૂર્ણ થતાં નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં ૧૭ કંપનીઓએ ભાગ લીધો હતો જે પૈકી ર ડીસકવોલીફાય થતાં ૧પ કોન્ટ્રાકટરોએ એક સરખો જ સર્વિસ ચાર્જ ભર્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જ આ કોન્ટ્રાકટ લાયકાતો કે ધારાધોરણના બદલે ચીઠ્ઠી ઉછાળીને આપવામાં આવ્યો છે તેમજ સુરત કોર્પોરેશને જે સંસ્થાઓને બ્લેક લીસ્ટ કરી હતી તેમને પણ કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે. જોકે તંત્ર બ્લેક લીસ્ટની બાબતને નકારી રહયુ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર હજાર સિકયોરીટી ગાર્ડ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં સર્વિસ ચાર્જ ૩.૮પ ટકા રાખવામાં આવ્યો હતો જેના માટે ૧૭ કોન્ટ્રાકટરોએ ટેન્ડર ભર્યાં હતાં જે પૈકી ૧પ કોન્ટ્રાકટરોએ સર્વિસ ચાર્જ જેટલી જ રકમ ભરી હતી તેથી ૧૭ પૈકી ૧પ કોન્ટ્રાકટર કવોલીફાય થયા છે. ટેન્ડર શરત મુજબ ૬ કોન્ટ્રાકટરોને જ કામ આપવાનું હોવાથી કવોલીફાય થયેલ ૧પ કોન્ટ્રાકટરોના નામોની ચીઠ્ઠી ઉછાળી ૬ ની પસંદગી કરવામાં આવી હતી
જોકે આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ અહીં પણ ‘સબકા સાથ સબકા વિકાસ’ નો નિયમ અપનાવવામાં આવ્યો છે અને તમામ ૧પ કોન્ટ્રાકટરોને કોર્પોરેશનની ‘સેવા’નો લાભ મળી શકે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે ૧પ કોન્ટ્રાકટરોને કવોલીફાય કરવામાં આવ્યા છે તે પૈકી એમ.કે. સિકયોરીટી, શક્તિ સિકયોરીટી, શક્તિ પ્રોડકટ, શિવ સિકયોરીટી સહિત પાંચ કોન્ટ્રાકટરોને સુરત કોર્પોરેશને બ્લેક લીસ્ટ કર્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે તેમજ આ સંસ્થાઓ કે તેમના ગાર્ડ સામે પોલીસ ફરિયાદો થઈ હોવાની વાતો વહેતી થઈ છે.
અમદાવાદમાં પણ થોડા દિવસો પહેલા જ પત્રકારો પર થયેલ ઘર્ષણમાં પણ આ પૈકી જ એક કંપનીના બાઉન્સરો હતાં જેને કોર્પોરેશન દ્વારા રૂ.પ૦ હજારની પેનલ્ટી કરવામાં આવી છે. આ કંપનીના ગાર્ડ અને બાઉન્સરોની સેવા અત્યંત નબળી હોવા ઉપરાંત ગેર વર્તણુકની ફરિયાદો પણ આવતી હોય છે તેમ છતાં તેમને ફરીથી કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.
તંત્રના વિશ્વસનીય સુત્રોનું માનીએ તો સિકયોરીટી કંપનીઓ પર ગાંધીનગરના એક અધિકારીનો ખૂબ જ મોટો પ્રભાવ છે અને સુરતની કંપનીઓના કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં પણ તેમનો મોટો ફાળો છે આ મહાનુભવ કોન્ટ્રાકટરોના બીલોની ફાઈલ પર સહી કરવા માટે પણ ‘વજન’ પહેલા મુકાવે છે તેવા આક્ષેપ પણ થઈ રહયા છે.