સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રથમ વખત નવરાત્રી ગરબાનું આયોજન થશે

જેમાં માત્ર ઓનલાઈન જ લોકો ટિકિટ મેળવી શકશે અને ટિકિટ પરના બારકોડ સ્કેન કરી અને લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવે એ મુજબનું આયોજન
ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે-રસ ધરાવતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આટલી શરતો મૂકવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૬થી ૨૮ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે.
રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપવામાં આવશે. આગામી દિવસોમાં તેનો ખર્ચ કોર્પોરેશન તરફથી કરવામાં આવશે કે પછી કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આખો ખર્ચ કરીને રેવન્યુ શેરિંગ કરશે તે અંગે નિર્ણય લેવાશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ગરબાનું આયોજન કરવા માટે નવરાત્રિ સહિત વિવિધ ઇવેન્ટોનું આયોજન કરનાર કંપનીઓને આયોજન કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગરબા ઈવેન્ટનું આયોજન કરવા માટે રસ ધરાવતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા શરતો મૂકવામાં આવેલી છે. એક કરોડથી વધુની ૩ ઇવેન્ટ કરેલી હોવી જોઈએ.
ડિજિટલ પ્લેટફોર્મ જેવા ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે પર એક લાખથી વધુ ફોલોઅર્સ હોવા જોઈએ તેમજ પાંચ મોટા સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા સાથે જોડાણ હોવું જોઈએ. ત્રણ દિવસ માટે યોજાનારા ગરબા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા ઉપર સોશિયલ ઈન્ફ્લુએન્સર દ્વારા જાહેરાત કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રથમ વખત યોજાવા જઈ રહેલા ગરબામાં કોઈપણ વ્યક્તિ ટિકિટ વિના પ્રવેશી ન શકે તેના માટે ડિજિટલ એન્ટ્રી રાખવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
જેમાં માત્ર ઓનલાઈન જ લોકો ટિકિટ મેળવી શકશે અને ટિકિટ પરના બારકોડ સ્કેન કરી અને લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવે એ મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં મહિલાઓ યુવતીઓ ગ્રુપમાં ગરબા રમવા માટે આવતી હોય છે ત્યારે ગરબામાં સુરક્ષાને લઈને પુરુષ અને મહિલાઓ તેમજ સીસીટીવી સર્વેલન્સ સાથે સિક્યુરિટી ગોઠવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે.
નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓને ર્પાકિંગ, સિક્યુરિટી અને ખાણીપીણી સહિતની સુવિધાઓની જરૂર હોય છે. જેથી આ તમામ સુવિધાઓ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર યોજાનારા ગરબામાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ખેલૈયાઓને પોતાના સૂર પર ડોલાવશે.