Western Times News

Gujarati News

સુરતમાં હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો

આરોપી સામે વલસાડ જિલ્લાના કપરાડામાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો

સુરત, સુરતની સરકારી હોસ્પિટલમાંથી ચાર મહિના અગાઉ આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયા બાદ સેલવાસ પોલીસે કડીના આધારે વાંસદાના બરવડપાડાના જંગલમાંથી દબોચી લીધો હતો. આરોપી સામે વલસાડ જિલ્લાના કપરાડામાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો.

વલસાડ જીલ્લાના કપરાડા પોલીસ મથકમાં પોકસો એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે સિલ્ધા ગામે રાણપાડા ખાતે રહેતા આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને પકડી પાડયો હતો.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરાયા બાદ સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો. જેલવાસ ભોગવતા કાચાકામના કેદી ફિરોઝ તુંબડાની ચાર મહિના અગાઉ તબીયત લથડતા સુરતની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે દરમિયાન આરોપી પોલીસ જાપ્તા વચ્ચેથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીને પકડવા ભારે શોધખોળ શરૂ કરી હતી.

જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. બીજી તરફ દા.ન.હવેલી પોલીસ વિભાગની સ્પેશિયલ ટીમને ફરાર આરોપી ફિરોઝ તુંબડા અંગે માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઈ સુરજ રાઉત અને ટીમે દા.ન.હવેલી અને મહારાષ્ટ્ર રાજયની સરહદમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અનેક ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકોની પૂછપરછ કરી આરોપી અંગે માહિતી એકત્રિત કરી હતી.

જો કે આરોપી મોબાઈલનો ઉપયોગ નહી કરતો હોવાથી તેના સુધી પહોંચવા પોલીસને મુશ્કેલી ઉભી થઈ હતી. પરંતુ પોલીસે શોધખોળ યથાવત રાખી સેલવાસના વાંસદા ગામે બરવડપાડાના જંગલમાંથી ફરાર આરોપી ફિરોઝ તુંબડાને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે સેલવાસ પોલીસે સુરત પોલીસને જાણકારી આપી હતી. સુરત પોલીસ પકડાયેલા આરોપી ફિરોઝ તુંબડાનો કબજો મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.