Western Times News

Gujarati News

ઇમરજન્સી હોય તો પણ હાઇવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી છે: સુપ્રીમ

નવી દિલ્હી, હાઈવે પર અચાનક બ્રેક મારવાને કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. સુપ્રીમ કોર્ટે આવા જ એક કેસમાં મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, હાઇવે પર કોઈપણ ચેતવણી વિના અચાનક બ્રેક લગાવવી એ બેદરકારી છે. જો આવા કિસ્સાઓમાં કોઈ અકસ્માત થાય છે, તો અચાનક બ્રેક લગાવનાર ડ્રાઇવર જવાબદાર હોઈ શકે છે.

ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, હાઇવેની વચ્ચે ડ્રાઇવરનું અચાનક વાહન રોકવું, ભલે તે વ્યક્તિગત કટોકટીના કારણે હોય, જો તે રસ્તા પર બીજા કોઈ માટે ખતરો ઉભો કરે તો તેને વાજબી ઠેરવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ૮ વર્ષ પહેલા ૭ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાં અચાનક બ્રેક મારવાથી થયેલા અકસ્માતના કેસ પર આવ્યો છે. આમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમનો ડાબો પગ કાપવો પડ્યો હતો. મોહમ્મદ હકીમે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, હકીમ પોતાની મોટરસાઇકલ લઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની આગળ જઈ રહેલી એક કારે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે હકીમની બાઇક કારના પાછળના ભાગ સાથે અથડાઈ હતી અને હકીમ રસ્તા પર પડી ગયો હતો.આ દરમિયાન પાછળથી આવતી બસે તેને કચડી નાખ્યો હતો.

કાર ચાલકે દાવો કર્યાે હતો કે તેની ગર્ભવતી પત્નીને ઉલટી થતી હોવાથી તેણે અચાનક બ્રેક લગાવી હતી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હાઇવેની વચ્ચે અચાનક કાર રોકવા પાછળનો કોઈ પણ ખુલાસો યોગ્ય નથી.

જોકે, કોર્ટે ડ્રાઇવરને માર્ગ અકસ્માત માટે ૫૦% ,હકીમને બેદરકારી માટે ૨૦% અને બસ ડ્રાઇવરને ૩૦% જવાબદાર ઠેરવ્યા છે. પીડિતના વળતરમાં વધારો કરવાની અરજી સ્વીકારતા, બેન્ચે કહ્યું કે, અરજદારે આગળની કારથી પૂરતું અંતર ન જાળવવામાં અને માન્ય લાઇસન્સ વિના મોટરસાઇકલ ચલાવવામાં પણ બેદરકારી દાખવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.