Western Times News

Gujarati News

મધ્યપ્રદેશઃ પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે

ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં માર્ગ સલામતીને લઈને જિલ્લા વહીવટીતંત્રે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે પહેલી ઓગસ્ટ ૨૦૨૫થી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને શહેરના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી શકશે નહીં.

આ બંને શહેરોના કલેક્ટરો દ્વારા આ કડક આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રનું માનવું છે કે આ નિર્ણયથી રોડ અકસ્માતો ઘટશે અને લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈન્દોરને સતત સાતમી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના ચેરમેન અને નિવૃત્ત જજ અભય મનોહર સપ્રે સાથેની બેઠક બાદ આ આદેશનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઈન્દોરની વર્તમાન ટ્રાફિક વ્યવસ્થા અને રોડ અકસ્માતો અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી.

ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રે આ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી.કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે ‘ટુ-વ્હીલર ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે અને પહેલી ઓગસ્ટથી આ નિયમનો કડક અમલ કરાશે.

આદેશ પહેલા ૩૦મી અને ૩૧મી જુલાઈના રોજ સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેથી લોકો સમયસર માહિતી મેળવી શકે અને નિયમોનું પાલન કરી શકે.’

વહીવટીતંત્રે પેટ્રોલ પંપ સંચાલકોને હેલ્મેટ વગરના કોઈપણ વ્યક્તિને પેટ્રોલ ન આપવાનો પણ આદેશ આપ્યો છે. જો કોઈ પેટ્રોલ પંપ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી થશે. આ આદેશના અમલથી શહેરમાં હેલ્મેટ પહેરવાની આદત મજબૂત થશે અને માર્ગ સલામતીને પ્રોત્સાહન મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.