Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે?: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગાે અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની બુધવારે (૩૦મી જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક બનાવવા સરકારને નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે શહેરમાં લકઝરી બસો, મોટી ટ્રકો સહિતના ભારે વાહોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગાે પર આડેધડ અને ગેરકાયદે પાર્કિંગના મુદ્દે સરકાર અને સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. કોર્ટે સીધો સવાલ કર્યાે હતો કે, ‘શહેરમાં ભારે વાહનો મંજૂરી વિના પ્રતિબંધિત છે તો કેવી રીતે જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને પીક અવર્સમાં ભારે વાહનોના લીધે ટ્રાફિક ચક્કાજામ થઈ રહ્યો છે.’હાઇકોર્ટે કેસની સુનાવણી કરમિયાન ટકોર કરી હતી કે, આ વિષયોમાં અદાલત કેટલી હદે અને કયાં સુધી હસ્તક્ષેપ કરશે? ટૂંકમાં હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓની તેમની વિવેકબુદ્ધિ અને સૂઝબૂઝથી નિષ્ઠાપૂર્વક અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા આડકતરો ઈશારો કર્યાે હતો.

હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યા માટે આઈઆઇએમ અને ઈસરો જેવી સંસ્થાઓની મદદ લેવા પણ જણાવ્યું હતું.અનુભવ વર્ણવતાં હાઈકોર્ટે જણાવ્યું કે, ‘રિંગ રોડ પર ભારે વાહનો હજુ પણ જોવા મળી રહ્યા છે અને શહેરમાં પણ પીક અવર્સ દરમિયાન ખાસ તો તેની એવરજવર બંધ કરાવવા જણાવ્યું છે. પરંતુ તેની કોઈ અમલવારી જણાતી નથી.

રિંગ રોડ પર તમારા પોલીસ અધિકારીઓ ત્યાં ઊભા હોવા છતાં તેઓ પાસ-પરમિટ વિના પ્રવેશ કરનારા આવા લોકોને છાવરી રહ્યા છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી નહી કરો ત્યાં સુધી આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે નહીં અને આ પરિસ્થિતિ ચાલુ રહેશે.’

મુખ્ય સરકારી વકીલે આ અંગે સૂચના મેળવી કાર્યવાહી કરવાની કોર્ટને હૈયાધારણ આપી હતી.હાઈકોર્ટે રાજ્ય સરકારને એવી પણ ગંભીર ટકોર કરી હતી કે, મુખ્ય હાઈવેથી અંદર તરફ આવતાં રોડ પરના ગેરકાયદે દબાણો અને આડેધડ અનઅધિકૃત પાર્કિંગના કારણે લગભગ ૫૦ ટકા રોડ બ્લોક થઈ જતો હોય છે.

બોપલમાં ટ્રાફિક ચક્કાજામના અખબારી અહેવાલોને લઈને પણ હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્ર પરત્વે સવાલ ઊઠાવ્યા હતા. જેથી સરકારપક્ષ તરફથી જણાવાયું કે, ‘ગયા અઠવાડિયે સ્ટેડિયમ રોડ અને સીજી રોડ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, હવે આગામી દિવસોમાં બોપલ અને ઘૂમા વિસ્તાર પર ફોકસ કરાશે. સરકાર તરફથી રોંગ સાઈડ વાહનો વિરૂધ્ધ કાર્યવાહીના આંકડા રજૂ કરાયા હતા, જે મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં રોંગ સાઇડ આવતાં ૨૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.’

આ દરમિયાન કોર્ટ સહાયકે પણ સૂચન કર્યું હતું કે, ‘જો તંત્ર અને સત્તાવાળાઓ આધુનિક ટેકનોલોજી, નિષ્ણાતોની મદદ અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરશે તો જ આ બધી સમસ્યાઓમાં અસરકારક પરિણામ મળશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.