ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી પ્રવેશના બે રાઉન્ડ પછી ૩૯૬ વિદ્યાર્થીના પ્રવેશ રદ

અમદાવાદ, ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે હાલમાં બે રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે અગાઉ જે વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો હતો અને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો તેવા ૩૯૬ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે છેલ્લા બે વર્ષથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચાલુવર્ષે ટેસ્ટના આધારે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે.
સામાન્ય રીતે વિદ્યાર્થી છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં હોય તે તમામને પહેલા બે રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. જે તે સમયે છેલ્લા સેમેસ્ટરનું પરિણામ ન આવ્યું હોય અથવા તો કોઇ વિદ્યાર્થીએ આગળના વર્ષની એટીકેટીની પરીક્ષા આપી હોય તો તેમને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ કે, જે તે સમયે આ પ્રકારના પરિણામ પેન્ડીંગ હોય તેવા વિદ્યાર્થીઓને શરતી પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. એટલે કે ગમે ત્યારે પરિણામ આવે અને તેમાં નાપાસ હોય તો તેનો પ્રવેશ રદ કરવામાં આવશે તેવી શરત સાથે પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
હાલમાં તમામ સેમેસ્ટરના પરિણામ આવી ગયા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જમા કરાવતાં જે વિદ્યાર્થીઓ પાસ થઇ શકયા નથી તેમને પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, હાલની સ્થિતિમાં કુલ ૩૯૬ જેટલા વિદ્યાર્થીઓને અગાઉ જે તે કોલેજમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો પરંતુ ફાઇનલ પરિણામ બાદ તેઓ પ્રવેશ માટે લાયક ન હોવાનું પ્રસ્થાપિત થતાં તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.
આ પ્રવેશ રદ કરવામાં આવતાં મેરિટમાં સામાન્ય ફેરફાર થશે. જોકે, મોટાભાગના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં જ પ્રવેશ મળ્યો હોવાથી સરકારી કોલેજમાં પ્રવેશ લેનારા કે ઉંચુ મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી નડે તેમ નથી.
બે રાઉન્ડ બાદ ખાલી પડેલી સરકારી કોલેજની બેઠકો માટે હવે આવતીકાલ તા.૧લીથી ૧૦મી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવશે. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે પણ તા.૧લીથી ૧૪મી ઓગસ્ટ સુધીમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.SS1MS