બુમરાહ પાંચમી ટેસ્ટમાં નહીં રમે, આકાશદીપને તક મળવાની સંભાવના

લંડન, ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થઈ ત્યારથી નિર્ણય લેવાયો હતો કે તેનો આધારભૂત ઝડપી બોલર પાંચમાંથી ત્રણ ટેસ્ટમાં જ રમશે અને એ મુજબ તે ત્રણ ટેસ્ટ રમી ચૂક્યો છે ત્યારે બુધવારે એ નિશ્ચિત થઈ ગયું હતું કે બુમરાહ ગુરુવારથી શરૂ થતી ટેસ્ટ ચૂકી જનારો છે. આમ તેને સ્થાને આકાશદીપને ટીમમાં સમાવવાની તકો વધી ગઈ છે.
ઇજાને કારણે આકાશદીપ ચોથી ટેસ્ટમાં રમી શક્યો ન હતો. ભારતીય ટીમે અગાઉથી જ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને બુમરાહને ત્રણ જ ટેસ્ટમાં રમાડવાનો નિર્ણય લીધો હતો પરંતુ તાજેતરમાં જ માન્ચેસ્ટર ખાતેની ચોથી ટેસ્ટ ભારતે સંઘર્ષ કરીને ડ્રો કરાવી ત્યારે એવી આશા જાગી હતી કે સિરીઝની નિર્ણાયક બનેલી પાંચમી ટેસ્ટમાં અગાઉનો નિર્ણય પાછો ખેંચીને બુમરાહને સ્થાન આપવામાં આવશે.
કેપ્ટન શુભમન ગિલે પણ બે દિવસ અગાઉ એવી આશા વ્યક્ત કરી હતી કે બુમરાહ ઓવલ ખાતે રમશે તો તે ભારતના લાભમાં રહેશે. પરંતુ, હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ગુજરાતનો આ વિશ્વવિખ્યાત ઝડપી બોલર અંતિમ ટેસ્ટમાં રમવાનો નથી.
૩૧ વર્ષીય વર્લ્ડ નંબર વન બોલર ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની ચોથી ટેસ્ટમાં અપેક્ષિત બોલિંગ કરી શક્યો ન હતો. તે બોલિંગમાં ઝડપ લાવવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને ટીમને જરૂર હતી ત્યારે તે સફળતા અપાવી શક્યો ન હતો. આ ઉપરાંત તેણે કારકિર્દીમાં પહેલી વાર એક ઇનિંગ્સમાં ૧૦૦ કરતાં વધારે રન આપી દીધા હતા.
એખ વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઈની મેડિકલ ટીમે બુમરાહને કહી દીધું છે કે તેની પીઠની સમસ્યાની સુરક્ષા અને લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને અગાઉ જે નિર્ણય (ત્રણ ટેસ્ટમાં રમવાનો) લેવાયો હતો તે યથાવત રહેશે.
એવા પણ અહેવાલ છે કે ચોથી ટેસ્ટમાં ઇજાને કારણે બહાર રહેલો બંગાળનો ઝડપી બોલર આકાશદીપ હવે ફિટ થઈ ગયો છે અને ગુરુવારની ટેસ્ટમાં તેના રમવાની પૂરી શક્યતા છે. આકાશદીપે આ સિરીઝમાં એજબસ્ટન ખાતેની ટેસ્ટમાં બીજા દાવની છ મળીને કુલ દસ વિકેટ ખેરવી હતી જેમાં ભારતનો વિજય થયો હતો.
શુભમન ગિલે બુમરાહ અંગે આશા પ્રગટ કરી ત્યારે ભારતીય ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીરે પણ એવા સંકેત આપ્યા હતા કે પાંચમી ટેસ્ટ માટેની અંતિમ ઇલેવન હજી નક્કી કરાઈ નથી અને બુમરાહ સહિત ભારતના તમામ બોલર ફિટ છે. તેણે કહ્યું હતું કે ઓવલ ટેસ્ટ અંગે હજી સુધી અમારે કોઈ મંત્રણા થઈ નથી. બુમરાહ રમશે કે નહીં તે અંગે પણ નિર્ણય લેવાયો નથી. અંતે જે કોઈ બોલર રમશે તે ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે.SS1MS