Western Times News

Gujarati News

ભારત પર અમેરિકાની ૨૫ ટકા ટેરિફથી હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડશે

મુંબઈ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫ ટકા ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે પેનલ્ટી ફટકારવાનું જાહેર કરતાં દેશના વેપાર-ઉદ્યોગ જગતને મોટો આંચકો લાગ્યો છે.

ટ્રમ્પ ટેરિફથી ભારતની સૌથી વધુ થતી નિકાસો પૈકી જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને મોટો ફટકો પડવાના એંધાણ છે.૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી મળીને ટેરિફનો આંક ૩૦થી ૩૨ ટકાથી વધુ વધવાના નિષ્ણાતોના અનુમાન વચ્ચે ભારતની ૩૨ અબજ ડોલરની રત્નો અને ઝવેરાત નિકાસને રૂંધાવાનું જોખમ ઊભું થયું છે.

નવા ટેરિફ સાથે, કટ અને પોલિશ્ડ હીરા જેવા ઉત્પાદનો, જે અગાઉ કોઈ ડયુટીનો ભાગ બનતા નહોતા, તેના માટે હવે ૨૫ ટકા ટેરિફ લાગુ પડશે.સોના અને પ્લેટિનમ જવેલરી પર ૩૦થી ૩૨ ટકા ડયુટી લાગશે, જ્યારે ચાંદીના દાગીના પર ૩૮થી ૩૯ ટકા જેટલી ટેરિફ લાગી શકે છે. લેબગ્રોન હીરા અને ઈમિટેશન જવેલરી જેવી અન્ય વસ્તુઓ પર પણ નોંધપાત્ર વધારો થશે, જે ૩૬થી ૩૮ ટકા સુધી પહોંચી શકે છે.

અલબત હજુ ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી વિશે વેપાર-ઉદ્યોગ જગત સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યો છે.ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રત્નો અને ઝવેરાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાથી ઉદ્યોગમાં વિક્ષેપ પડશે, કારણ કે અમેરિકા ભારત માટે મુખ્ય નિકાસ સ્થળોમાં એક છે.

નિષ્ણાતો ચેતવણી આપી છે કે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના વ્યવસાયો, આ ડયુટીનો સામનો નહીં કરી શકે, અને અન્ય દેશો માટે યુ.એસ. બજારોમાં હિસ્સો ગુમાવી શકે છે. વૈશ્વિક રત્નો અને ઝવેરાત વેપારમાં દેશના નેતૃત્વને સુરક્ષિત રાખવા માટે ભારતીય નીતિ નિર્માતાઓ પાસેથી ઝડપી પગલાં લેવાની ઉદ્યોજકો અરજ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.