નેપાળના ફ્રી યૂથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ૧૪ સંસદ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
ડેલિગેશનને NeVA સેવા કેન્દ્ર, વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર
ગાંધીનગર, નેપાળના ફ્રી યૂથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ૧૪ સંસદ સભ્યોના પ્રતિનિધિ મંડળ આગામી તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અંતર્ગત આજે તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. વિધાનસભાની મુલાકાતે પધારેલા નેપાળના ડેલિગેશનનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે જોડાયેલા ભારત અને નેપાળના સુમેળભર્યા સંબંધો તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ અને વાઈબ્રન્ટ સમિટ જેવા સફળ આયોજનો થકી દેશના વિકાસમાં ગુજરાતનું ખૂબ મોટું યોગદાન રહેલું છે, જેથી સમાજ જીવનમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પરિણામે રાજ્યના ડ્રાય એરિયા સુધી પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પહોંચવાથી એગ્રીકલ્ચર ક્ષેત્રે ખૂબ ગ્રોથ થયો છે. જેથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે.
ગુજરાત રાજ્યની સહકારી સંસ્થા અમૂલને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં NFSU, PDEU અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓ તેમજ શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત બેટી બચાવો, સાક્ષરતા, સ્વચ્છતા જેવા વિવિધ અભિયાનો થકી ગુજરાતે સામાજિક ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે, તેમ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું.
નેપાળના પાર્લામેન્ટ મેમ્બર શ્રી રાજેન્દ્રપ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે, સાયન્સ એન્ડ ટેક્નોલોજીના માધ્યમથી ચાલતી વિધાનસભાની સમગ્ર કામગીરી ખૂબ પ્રશંશનીય છે. આજે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ અમારી સમગ્ર ટીમને ભારતની લોકશાહી અને સંસદીય કાર્યપ્રણાલી તેમજ ગુજરાત મોડલ વિશે માહિતી આપી તે બદલ અમે ખૂબ પ્રસન્નતા અનુભવીએ છીએ.
વિધાનસભા મુલાકાત દરમિયાન વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડયાએ વિધાનસભાગૃહમાં મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા, પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્ર સહિતની કામગીરી અંગે નેપાળના પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી નેપાળના ફ્રી યૂથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ૧૪ સંસદ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન ડેલિગેશન સાબરમતી આશ્રમ, એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમૂલ ડેરી, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરશે.