જે વ્યક્તિ દીન દુ:ખીયા લોકોની સેવા કરે છે, તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે : રાજ્યપાલ

રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે : રાજ્યપાલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. તેમણે ગુજરાત કેન્સર સોસાયટીને મોટા પાયે ટેકો આપી ગરીબોત્થાનના કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે. આપના દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.
માનવતા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વજનોમાં પોતીકાપણું જુએ છે, પરંતુ તે વ્યક્તિ મહાન છે જે અન્ય વ્યક્તિઓમાં પોતીકાપણું અનુભવે છે. પશુઓ અને મનુષ્યમાં તમામ વસ્તુઓ સમાન છે, ફક્ત માનવતાનો જ તફાવત છે. જ્યારે કોઈ દર્દીને ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ વિશ્વાસ થાય કે હવે તે જલ્દી સાજો થઈ જશે સ્વસ્થ થઈ જશે, તે જ આપણી સાચી ઓળખ અને કર્મની પૂંજી છે.
તેમણે કહ્યું કે, જન્મ તો દરેક વ્યક્તિ લે છે પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે વ્યક્તિ કર્મયોગી બની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે તો આવા કર્મો જ આજીવન અને આવનાર જન્મમાં સુખ આપે છે.
સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની પાવન ધરતી પર એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ્યા, જેમણે સામાજિક સુધારણા માટે અનેક કાર્યો કર્યા હતા. જ્યારે વ્યક્તિ તમામ લોકોની ઉન્નતીમાં પોતાની ઉન્નતિ સમજે અને દરેક વ્યક્તિના સુખ-દુઃખનો સાથી બને છે ત્યારે તે ખરા અર્થમાં માનવતાનો રક્ષક બને છે.
કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજથી 40-50 વર્ષ પહેલાં આવી બીમારીઓને કોઈ ઓળખતું ન હતું. વેદોમાં કહ્યું છે કે, કારણ વગર કશું થતું નથી. આજે માનવસર્જીત પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, આપણે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી રાસાયણિક ખાતર મંગાવીએ છીએ અને તેનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. તેનાથી ઉત્પન્ન થતા ફળ, શાકભાજી, અનાજ ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને બીમારીઓ ખરીદી રહ્યા છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની અસર ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ થઈ રહી છે. પશુઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જમીન પાણી અને હવા પ્રદુષિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બની ચૂકી છે.
આ તમામ સમસ્યાઓ અને પડકારોથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, જેનો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં 9 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે, ભારતીયોએ ગુલામીની માનસિકતાને જળ મૂળમાંથી નાબૂદ કરવી જોઈએ. આપણને આપણા ખોરાક, ભાષા, પહેરવેશ, વારસા તથા મહાપુરુષો પર ગર્વ હોવો જોઈએ, તેમની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ અને પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.
આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે ધી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃતિઓની વાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ, પબ્લીકેશન, વર્કશોપ, એડવાન્સ રોબોટિક સર્જીકલ સિસ્ટમ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સર્જરી અને કેમોથેરાપીના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જીસીએસના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. પંકજ શાહ, જી.સી.એસ. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો, તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.