Western Times News

Gujarati News

માત્ર 4 જ માસમાં 1 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિતઃ દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કાર્યભાર સંભાળ્યો

દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ ૧ મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો

મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત

આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, -DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં ૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં ગુજરાતે સિમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તથા બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અને બંદરો, શિપિંગ તથા જળમાર્ગ મંત્રાલય સચિવ શ્રી ટી.કે. રામચંદ્રન, તથા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલે આ પ્રોજેક્ટની ઝડપી ગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, 26 મે 2025 ના રોજ ભૂજની મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અને માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે, આ પ્રોજેક્ટ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.

પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, મંત્રીશ્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે.

તેઓશ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અને આ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.