Western Times News

Gujarati News

રાજ્યમાંથી ૨૬૧ ધાર્મિક દબાણ હટાવાયા અને ૧૧૭૭ને નોટિસ અપાઈઃ સરકાર

પ્રતિકાત્મક

જાહેર માર્ગાે અને સ્થળો પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવા મુદ્દે પિટિશનમાં સરકારનું સોગંદનામું

(એજન્સી)અમદાવાદ, જાહેર માર્ગાે અને સ્થળો પરથી ધાર્મિક દબાણ મુદ્દે સુઓમોટો પિટિશનમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ગૃહ વિભાગ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું હતું. જે મુજબ ૧૬મી એપ્રિલથી અત્યાર સુધીમાં રાજ્યમાંથી ૨૬૧ ધાર્મિક દબાણ દૂર કરાયા છે, ૨૮ દબાણોને રિલોકેટ કરાયા છે અને ૯૮ રેગ્યુલરાઈઝ કરાયા છે.

તે સિવાય ૧૧૭૭ ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મુદ્દે વધુ સુનાવણી ૧૨મી નવેમ્બરે યોજાશે અને તંત્રને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ઝડપી અમલીકરણ માટે જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે કમિટીની રચના થઈ ચૂકી છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની એફિડેવિટના આધારે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ૧૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રાજ્ય સરકારે ઠરાવ કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, ૨૦૦૯માં જાહેર જગ્યાઓ પરથી ધાર્મિક દબાણો દૂર કરવા નિર્દેશ આપ્યા હતા. ધાર્મિક દબાણોનાં રિવ્યૂ અને તે દૂર કરવા જિલ્લા સ્તરે કલેક્ટર હસ્તક કમિટીની રચના કરાઈ છે,

જ્યારે મ્યુનિસિપલ સ્તરે કમિશનર હસ્તક કમિટીની રચના કરવામાં આવી છે.અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, ધાર્મિક દબાણો ઓળખીને જિલ્લાઓને જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એક હજારથી વધુ ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, ૫૦૦થી એક હજાર ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, ૩૦૦થી ૫૦૦, ૨૦૦થી ૩૦૦, ૧૦૦થી ૨૦૦ અને ૧૦૦થી ઓછા ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લાનો સમાવેશ થાય છે.

ધાર્મિક દબાણો મુદ્દે જિલ્લા સ્તરે બનેલી કમિટીની મીટિંગ મહિનામાં એક વખત મળે તેવી સૂચના આપવામાં આવી છે. બે જિલ્લા અને એક મહાનગરપાલિકામાં એક પણ ધાર્મિક દબાણ નથી. નવ જિલ્લામાં ૫૦ કરતા ઓછા ધાર્મિક દબાણો છે. જેમાં પણ ચાર જિલ્લામાં ૧૦ કરતા ઓછા ધાર્મિક દબાણો છે.

અગાઉ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, જાહેર જગ્યાઓ પરથી ૨૧ નવેમ્બર-૨૦૨૪થી ૩૧ જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં રાજ્યભરમાંથી ૧૫૬ ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨૭ ધાર્મિક દબાણ જિલ્લા વહીવટી તંત્ર હેઠળ આવેલી જગ્યાએથી જ્યારે ૨૯ ધાર્મિક દબાણ મહાનગરપાલિકા હસ્તકની જગ્યા પરથી દૂર કરાયા છે. જ્યારે કેટલાક ધાર્મિક સ્થાનોને રિલોકેટ પણ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.